તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 4th August 2026
જામનગરમાં મકાનમાં આગ લાગતા રોકડ રૂ.દોઢ લાખ અને રૂ.૨ લાખના સોનાના દાગીના સહિતનો સામાન બળીને ખાખ
ફર્નિચર વેપારી મહેશભાઈ પરમાર ઘરનો સામાન બચાવવા જતાં ઇજાગ્રસ્ત થયા : ફાયર બ્રિગેડની ૩૦ મિનિટની સતત કામગીરીથી આગ કાબૂમાં

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૪: સ્વામિનારાયણનગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી હતી. આગની ઘટનાના કારણે ઘરમાં રાખવામાં આવેલી અંદાજે રૂ. દોઢ લાખની રોકડ રકમ, આશરે રૂ. બે લાખના સોનાના દાગીના તેમજ લાકડાનો કબાટ અને અન્ય ફર્નિચરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે ફાયર બ્રિગેડની સમયસર અને ઝડપી કામગીરીના કારણે આગ એક જ રૂમ સુધી સીમિત રહી હતી, જેના કારણે મોટી જાનહાનિ અને આસપાસના મકાનોને થનારું નુકસાન ટળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફર્નિચર તેમજ ડેકોરેશનનું કામ કરતા મહેશભાઈ પરમારના રહેણાક મકાનમાં વહેલી સવારે ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં જ આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં નાની લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે ઘરમાં રહેલો લાકડાનો કબાટ, પલંગ, ખુરશી સહિતનો તમામ ફર્નિચરનો સામાન આગની ઝપેટમાં આવી ગયો હતો.
બનાવ વખતે મહેશભાઈ પરમાર મકાનના ઉપરના માળે સુતા હતા. ધુમાડો અને આગની જાણ થતાં જ તેઓ તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. સૌપ્રથમ તેમણે મોટી દુર્ઘટના ટાળવા માટે મેન સ્વિચ બંધ કરીને સમગ્ર ઘરનો વીજ પુરવઠો બંધ કર્યો હતો. ત્યારબાદ તેમણે ઘરમાં રહેલો રાંધણગેસનો બાટલો બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સળગી રહેલો દરવાજો અચાનક તેમના હાથ પર પડી જતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર અધિકારી ઉમેશ ગામેતીના માર્ગદર્શન હેઠળ પાંચ જેટલા ફાયર જવાનો તાત્કાલિક ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે અંદાજે અડધા કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ઝડપી કાર્યવાહીના કારણે આગ બાજુના રૂમો અને આસપાસ આવેલા જોડાયેલા અન્ય રહેણાક મકાનો સુધી પહોંચે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં આવી હતી.
આગ લાગવાના બનાવને પગલે આસપાસના મકાનોમાં રહેતા લોકો પણ ગભરાટના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે દોડધામનો માહોલ સર્જાયો હતો. પરંતુ ફાયર બ્રિગેડની વ્યવસ્થિત કામગીરીના કારણે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
