News of Tuesday, 4th August 2026
ધોરાજીના જૂનાગઢ ફાટક પાસે ડમ્પર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત:દાદી અને એક વર્ષના પૌત્રનું કરુણ મોત
ઇકચાલક રાકેશભાઇ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા :અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર :ધોરાજી પોલીસે તપાસ શરૂ કરી

ધોરાજીના જૂનાગઢ ફાટક નજીક ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં દાદી અને તેમના એક વર્ષના પૌત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, રાકેશભાઇ નામના વ્યક્તિ બાઇક પર પોતાની માતા અને એક વર્ષના પુત્ર સાથે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ડમ્પરે બાઇકને જોરદાર અડફેટે લીધી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઇક સવાર દાદી અને નાનકડા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દોડી આવ્યા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દાદી અને બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
આ અકસ્માતમાં બાઇકચાલક રાકેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના બે સભ્યોના મોત અને એક સભ્યના ઇજાગ્રસ્ત થવાથી પરિવારમાં ભારે દુઃખનો માહોલ સર્જાયો છે.
અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોનું કહેવું છે કે ભારે વાહનોની બેદરકારી અને વધુ ઝડપને કારણે આવા અકસ્માતો વધી રહ્યા છે.
ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું અને અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડમ્પરને કબજે લઈને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. નજીકના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક લોકોના નિવેદનોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
