<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

છારા ગામે દરિયામાં તણાયેલા બે યુવાનોના મૃતદેહ મળ્‍યાઃ કોડીનાર પંથકમાં અરેરાટી

કોડીનાર, તા.૫: છારા ગામના પાંચ મિત્રો, જેઓ ધોરણ-૧૧ અને ધોરણ-૧૨માં અભ્‍યાસ કરે છે, મંગળવારે બપોરે દરિયા કિનારે ફરવા તથા નાહવા માટે પહોંચ્‍યા હતા. શરૂઆતમાં બે કિશોરો દરિયામાં ઉતર્યા હતા, પરંતુ અચાનક દરિયાના તીવ્ર કરંટમાં સપડાતા તેઓ ડૂબવા લાગ્‍યા હતા. પોતાના મિત્રોને બચાવવા અન્‍ય ત્રણ કિશોરો પણ તરત જ દરિયામાં ઝંપલાવ્‍યા હતા. જોકે ભારે કરંટ સામે પાંચેય કિશોરો લાચાર બની જતા સ્‍થિતિ વધુ ગંભીર બની હતી. આ દરમિયાન નજીકમાં હાજર સ્‍થાનિક માછીમારોએ સમયસૂચકતા દાખવી કોઈ વિલંબ કર્યા વગર દરિયામાં ઝંપલાવી બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમના બહાદુરીભર્યા પ્રયાસોથી રાજદીપ જેસાભાઈ ચુડાસમા (ઉં.૧૬ વર્ષ), કુલદીપ પુનાભાઈ ચુડાસમા (ઉં.૧૬ વર્ષ) અને અક્ષય ધીરુભાઈ રાઠોડ (ઉં.૧૬ વર્ષ) નો આબાદ બચાવ કરવામાં સફળતા મળી હતી. જ્‍યારે ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા (ઉં.૧૬ વર્ષ) અને નિર્મળ હમીરભાઈ ચુડાસમા (ઉં.૧૭ વર્ષ) દરિયાના મોજાંમાં લાપતા બન્‍યા હતા.

ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર, કોડીનાર મામલતદાર એચ. કે. ભાસ્‍કર, કોડીનાર પોલીસ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા.

કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ તથા ભાજપ અગ્રણી શિવાભાઈ સોલંકીના પ્રયાસોથી મૂળદ્વારકાથી અનુભવી તરવૈયાઓને બોલાવી શોધખોળ શરૂ કરાવવામાં આવી હતી. દિલીપભાઈ મોરી સહિત સ્‍થાનિક રાજકીય અગ્રણીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્‍યો તેમજ ગામના સરપંચ પણ ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસ.ડી.આર.એફ., કોસ્‍ટગાર્ડ, મરીન પોલીસ, ફિશરીઝ વિભાગ અને વેરાવળ ફાયર ટીમની મદદથી રાઉન્‍ડ ધ ક્‍લોક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. ભારે દરિયાઈ કરંટ અને ચા મોજાંને કારણે દરિયામાં કામગીરી અત્‍યંત જોખમી બની હતી. ડ્રોન કેમેરા દ્વારા એરિયલ સર્વેલન્‍સ તેમજ કોસ્‍ટગાર્ડની બોટની મદદથી દરિયાના વિશાળ વિસ્‍તારમાં સતત શોધખોળ કરવામાં આવી હતી.

વેરાવળ ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાએ જણાવ્‍યું હતું કે, ભારે દરિયાઈ કરંટ અને ચા મોજાં વચ્‍ચે બચાવ કામગીરી અત્‍યંત પડકારજનક બની હતી. તેમ છતાં વહીવટી તંત્ર, પોલીસ, ફાયર, ફિશરીઝ, મરીન પોલીસ, એસ.ડી.આર.એફ. તથા કોસ્‍ટગાર્ડ દ્વારા સંકલિત રીતે મેન્‍યુઅલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.

જેમાં લાપતા બંને કિશોરોના મળતદેહ મળી આવ્‍યા છે. ભાવસિંહ ભરતભાઈ ચુડાસમાનો મળતદેહ મોડી રાત્રે મળી આવ્‍યો હતો, જ્‍યારે નિર્મળ હમીરભાઈ ચુડાસમાનો મળતદેહ બુધવારે વહેલી સવારે મળી આવ્‍યો હતો. બંને મળતદેહોને પોસ્‍ટમોર્ટમ અર્થે કોડીનારની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે.

અત્રે ઉલ્લેખનીય છેકે આ કરૂણ દુર્ઘટનાએ સમગ્ર છારા ગામ અને કોડીનાર પંથકને ગમગીન બનાવી દીધું છે. એકસાથે બે યુવાનોના અકાળે નિધનથી તેમના પરિવારો પર આભ ફાટી પડ્‍યું હોય તેવી સ્‍થિતિ સર્જાઈ છે. સમગ્ર વિસ્‍તારમાં શોકની લાગણી વ્‍યાપી ગઈ છે.

(11:28 AM IST)