News of Wednesday, 5th August 2026
જસદણના સમીરભાઇ રાઠોડ ખાનપરની ગોળાઇ નજીક લોહીલુહાણ-ઇજાગ્રસ્ત મળ્યા બાદ મોતઃ પરિવારને શંકા
ઉંટવડ ખાણીપીણીનો ધંધો કરતાં હતાં: રાતે બાઇક પર જસદણ આવતી વખતે બનાવ અકસ્માતમાં ઇજા થઇ કે હુમલો થયો? કપાળ, હોઠ પર મોટા કાપાના નિશાન જોવા મળતાં રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૫: જસદણના ખાનપર ગામની ગોળાઇ પાસે મોડી રાતે સાડા અગીયારેક વાગ્યા આસપાસ જસદણ રહેતાં અને ઉંટવડ ગામે ખાણીપીણીનો ધંધો કરતાં યુવાન લોહીલુહાણ અને ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. હોઠ પર, કપાળે મોટા કાપા-ઇજાના નિશાન હોઇ પરિવારજનોએ મૃત્યુ અંગે શંકા દર્શાવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.
જાણવા મળ્યા મુજબ જસદણમાં સિવિલ હોસ્પિટલ પાછળ ખાટકી ચોકમાં રહેતાં સમીરભાઇ રઝાકભાઇ રાઠોડ-ઘાંચી (ઉ.વ.૩૮) રાતે સાડા અગીયારેક વાગ્યે જસદણ-ખાનપરથી ગોળાઇ નજીકથી લોહીલુહાણ હાલતમાં મળતાં તેમને કોઇ રાહદારીએ સારવાર માટે જસદણ હોસ્પિટલમાં ખસેડયા હતાં. દરમિયાન ત્યાં ગામના પરિચીત લોકો હાજર હોઇ સમીરભાઇના કુટુંબીઓને જાણ કરતાં તેઓ પણ હોસ્પિટલે દોડી ગયા હતાં. જો કે સારવાર દરમિયાન સમીરભાઇનું મૃત્યુ થયું હતું.
તેમના હોઠ પર, કપાળના ભાગે કોઇ હથીયારથી હુમલો કરાયો હોય તેવા કાપા જોવા મળતાં પરિવારજનોને બનાવ શંકાસ્પદ જણાતાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. મૃત્યુ પામનાર સમીરભાઇ ચાર ભાઇમાં વચેટ હતાં. તેમને સંતાનમાં બે દિકરી છે. સગાએ જણાવ્યું હતું. સમીરભાઇ નજીકના ઉંટવડ ગામે નાસ્તાનો સ્ટોલ રાખી ખાણીપીણીનો વેપાર કરતાં હતાં. રાતે તેઓ ધંધાના સ્થળેથી બાઇક પર જસદણ ઘરે આવતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થઇ કે પછી કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇને ભાગી ગયો કે પછી કોઇએ હુમલો કર્યા બાદ તે ફેંકાઇ જતાં મૃત્યું થયું? તે અંગે પરિવારજનોએ શંકા દર્શાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવથી બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
