તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 5th August 2026
જામનગર સાયબર પોલીસની કાર્યવાહી: AI થી ફોટા એડિટ કરી વિદ્યાર્થિનીને ધમકાવનાર યુવક ઝડપાયો
ઇન્સ્ટાગ્રામ મારફતે ઓનલાઇન પીછો અને ધમકી આપતા આરોપીની ધરપકડ. BNS અને IT Act હેઠળ ગુનો નોંધાયો : સાયબર પોલીસની જનજાગૃતિ અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ઓનલાઇન છેડતી અને ધમકી આપવાના ગંભીર કેસમાં સફળતા મેળવી છે. રાજકોટ રેન્જના DIG નિલિપ્ત રાય અને જામનગર જિલ્લા SP રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ PI આઇ.એચ. ધાસુરાની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે.
જામનગરની 18 વર્ષની વિદ્યાર્થિનીનો સતત ઓનલાઇન પીછો કરીને હેરાન કરનાર આરોપી વૃષિત વ્રજલાલ વાળા, રહે. સેટેલાઇટ પાર્ક, જામનગરની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ફરિયાદીના ભાઈનો ફોટો ઓનલાઇન મેળવીને AI ટૂલની મદથી ફેરફાર કર્યો હતો. ત્યારબાદ તે એડિટ કરેલો ફોટો ઇન્સ્ટાગ્રામ મારફતે ફરિયાદીને મોકલીને "તારા ભાઈને ગંભીર ઈજા પહોંચાડીશ" તેવી ધમકી આપતો હતો. આ ઉપરાંત વીડિયો કોલ કરીને તેના તાબે થવા દબાણ કરતો હતો અને અનિચ્છનીય માંગણીઓ કરીને માનસિક ત્રાસ આપતો હતો.
ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીની ટેકનિકલ એનાલિસ કરતા આરોપીની ઓળખ થઈ હતી. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 75, 78, 351(3), 351(4) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2000 ની કલમ 66(C) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તમામ વાલીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તમારા સંતાનો, ખાસ કરીને દીકરીઓ, પોતાની અંગત ઓળખ અને ફોટા સોશિયલ મીડિયા પર મુકવાનું ટાળે. જો કોઈ વ્યક્તિ ઓનલાઇન બિભત્સ વાતો કરે, ધમકી આપે અથવા અનિચ્છનીય માંગણી કરે તો તરત જ માતા-પિતાને જાણ કરવી અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
પોલીસ હેડ ક્વાર્ટર, સર્ક્યુલર રોડ, જામનગર
ફોન નંબર: 0288-2555510
ઇમેઇલ: [email protected] તેમ પોલીસ ઇન્સ્પેક્ટર
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
જામનગરની યાદીમાં જણાવાયું છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
