તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
સુરેન્દ્રનગરના શેરબજારના ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગમાં પોલીસ કર્મચારી સસ્પેન્ડ
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ દરોડા બાદ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી જેતપુર પોલીસને તપાસ સોંપાઇઃ એએસઆઇ સંજયસિંહ રાઠોડની શોધખોળ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૬: સુરેન્દ્રનગર શહેરમાંથી પોલીસ વિભાગને શર્મશાર કરે એવો કિસ્સો સામે આવ્યો છે. શેરબજારના નામે ચાલતા કરોડોના ગેરકાયદેસર જુગારના નેટવર્કનો રાજકોટ રેન્જ આઈજીની ટીમે પર્દાફાશ કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર રેકેટ એક પોલીસ અધિકારીના ઘરેથી જ ઓપરેટ થતું હતું.
રતનપર વિસ્તારની રામેશ્વર ટાઉનશીપમાં રહેતા અને સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડના ઘરેથી આ ગેરકાયદે શેર ડિલિંગનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ દ્વારા ‘‘પ્લસ'' અને ‘‘મેટા ટ્રેડર્સ'' નામની એપ્લિકેશનના માધ્યમથી કોલ સેન્ટર ઉભું કરીને આ ધંધો ચલાવવામાં આવતો હતો. શેરબજારના વધ-ઘટના ભાવ પર ‘‘હાર-જીત'' નો જુગાર રમાડવામાં આવતો હતો અને મુંબઈ સહિત દેશના અન્ય રાજ્યોના વેપારીઓ સાથે ટેલીફોનિક અને એપ્લિકેશન દ્વારા ડીલીંગ કરવામાં આવતી હતી.
દરોડા દરમિયાન ASI સંજયસિંહ રાઠોડ ભૂગર્ભમાં ઉતરી જઈ નાસી છૂટયો છે. દરોડા બાદ તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આ નેટવર્ક મારફતે રૂા.૧૦૦ કરોડથી વધુની આર્થિક લેવડ-દેવડ થઈ હોવાના હિસાબો મળી આવ્યા છે. આ જુગારમાં હાર-જીતની મોટી રકમની લેવડ-દેવડ સુરેન્દ્રનગરની એક આંગડિયા પેઢી મારફતે થતી હતી. આંગડિયા પેઢીમાં પણ બેનામી અને ગેરકાયદેસર વ્યવહારો થયા હોવાનું સામે આવતા પોલીસે ત્યાં પણ તપાસ શરૂ કરી છે.
આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ૨૩ ઈસમો સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજીએ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકીને જેતપુર પોલીસને સોંપી દીધી છે.
જેતપુર પોલીસે સુરેન્દ્રનગર પોલીસ પાસેથી ઝડપાયેલા આરોપીઓનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. સ્થળ પરથી ૧૦ લેપટોપ, ૨૯ મોબાઈલ ફોન, ૫૦થી વધુ સીમકાર્ડ, ૨૭ નોટબુકો અને ૪ પેન ડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કરી તેની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા ડેટામાંથી રાજ્ય અને રાજ્ય બહારના અનેક વેપારીઓના નામ ખુલવાની શકયતા છે.આ દરોડા રાજકોટ રેન્જની ટીમે પાડ્યા હતા. આ દરમિયાન જોરાવનગર પોલીસ મથકના PI સહિતના સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. એક પોલીસકર્મી જ આવા ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલો હોવાથી અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ભૂમિકાની પણ તપાસ થવાની શકયતા સેવાઈ રહી છે.
હાલ જેતપુર પોલીસ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો, નાણાકીય વ્યવહારો અને આંગડિયા પેઢીની ભૂમિકાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
