<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં ચબુતરા પાસે એક મકાનની છત અચાનક ધરાસાઈ : પ્રૌઢ કાટમાળ નીચે દબાઈ જતા તંત્રમાં દોડધામ

ફાયર અને 108ની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું: ઈજાગ્રસ્તને તાકીદે સારવાર માટે ખસેડીને મોટી જાનહાનિ ટાળી

જામનગર:શહેરના જાણીતા રાજ પાર્ક વિસ્તારમાં અચાનક એક મકાનની છત ધરાસાઈ થઈ જવાની ઘટના બની હતી. આ અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજ પાર્ક વિસ્તારમાં ચબુતરા પાસે આવેલા આ મકાનમાં અચાનક છત ધરાસાઈ થવાથી અંદર રહેલા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટના બની તે સમયે મકાનની અંદર કુલ બે વ્યક્તિઓ હાજર હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી સદનસીબે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય એક પ્રૌઢ આસામી કાટમાળની નીચે ગંભીર રીતે દબાઈ ગયા હતા.

બનાવની જાણ થતાં જ સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ ત્વરિત કામગીરી હાથ ધરીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને બહાર કાઢીને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અચાનક બનેલી દુર્ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

(6:40 PM IST)