News of Thursday, 6th August 2026
જૂનાગઢના ચોરવાડ નજીક કુકુસવાડા ગામે પાણી ભરેલા ખુલ્લા કૂવામાં અંદાજિત એકથી બે વર્ષની સિંહણ ખાબકી
વાડી માલીકે જાણ કરતા રાત્રે વનવિભાગની ટીમ પહોંચી: દોરડાની મદદથી સફળ રેસ્ક્યુ કરી સિંહણને સીમર એનિમલ કેર સેન્ટર ખસેડાઇ જ્યાં સારવાર બાદ ફરી જંગલમાં છોડવામાં આવશે.

જૂનાગઢ જીલ્લામાં વારંવાર વન્યજીવો ખુલ્લા કૂવામાં પડી જવાની ઘટનાઓ બની છે. ત્યારે વધુ એક ઘટના ચોરવાડ નજીક આવેલા કુકુસવાડા ગામમાંથી સામે આવી છે. રામ માલદેની વાડીમાં આવેલા પાણી ભરેલા ખુલ્લા કૂવામાં અંદાજિત એકથી બે વર્ષની સિંહણ ખાબકતા વન વિભાગે સુરક્ષિત રેસક્યૂ કર્યું છે.
મળતી જાણકારી અનુસાર ગત રાત્રે લગભગ બે વાગ્યાના સમયમાં એક સિંહણ કૂવામાં પડી ગઈ હતી. આ સિંહણની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા. જે બાદ વન વિભાગને જાણ કરી હતી. જેથી માળિયા હાટીના અને સીમર વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને સિંહણને બચાવવાનું કામ શરૂ કર્યું હતુ.
કૂવામાં પાણી ભરાયેલું હોવાથી બચાવ કામગીરી પડકારજનક બની હતી. વનવિભાગની ટીમે સાવચેતીપૂર્વક દોરડું કૂવામાં ઉતારી સિંહણને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. લાંબી મહેનત બાદ સિંહણને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
રેસ્ક્યુ બાદ સિંહણને પાંજરામાં મૂકી સીમર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સિંહણને પ્રાથમિક સારવાર અને તબીબી તપાસ આપવામાં આવશે. તેની તબિયત સંપૂર્ણપણે સ્થિર થયા બાદ તેને ફરીથી કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
ગીર અને આસપાસના વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓમાં વન્યપ્રાણીઓ પડી જવાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. આ બનાવ બાદ ખુલ્લા કૂવાઓને સુરક્ષિત બનાવવા માટે સ્થાનિક સ્તરે વધુ અસરકારક પગલાં લેવાની જરૂરિયાત ફરી ઉઠી છે. વનવિભાગે ગ્રામજનોને આવા બનાવોની તાત્કાલિક જાણ કરવા પણ અપીલ કરી છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
