<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જામનગરમાં મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી: 2થી 3 ઈજાગ્રસ્ત, એક વ્યક્તિ કાટમાળ નીચે હોવાની આશંકા

ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી: ભારે કાટમાળ હટાવી અંદર ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન

જામનગર શહેરના રાજપાર્ક નજીક આવેલા રંગમતી પાર્કની બે ચબૂતરાવાળી શેરીમાં એક મકાનનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં બે થી ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દબાયેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે કાટમાળ હટાવી અંદર ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
બીજી તરફ, 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરીમાં જોડાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે પણ સ્થળ પર પહોંચી જરૂરી વ્યવસ્થા સંભાળી હતી.
ફાયર વિભાગના ઈનચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર જસ્મિન ભેંસદળિયાના જણાવ્યા મુજબ બચાવ કામગીરી કરી અને કાટમાળ નીચે કોઈ ફસાયેલ એક વ્યક્તિને  સલામત રીતે બહાર કાઢવા આવ્યા છે.

( તસવીર અહેવાલ - મુકુંદ બદીયાણી ) 

(12:21 AM IST)