<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ભાવનગર જિલ્લા જેલના સિપાઈ પર કાચાકામના કેદીએ કર્યો હુમલો

પાંચકે થપ્‍પાડો મારી દેતા કાનનો પડદો ફાટીગયો!

 

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭: જિલ્લા જેલમાં ફરજ બજાવતા સિપાઈ દિગ્‍વિજયસિંહ બી. ગોહિલ પર જેલમાં જ એક કાચા આરોપીએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી કાનનો પડદો તોડી નાખ્‍યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે આરોપી વિરૂધ્‍ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાવનગર જિલ્લા જેલ ખાતે સિપાઈ તરીકે ફરજ બજાવતા ૩૧ વર્ષીય દિગ્‍વિજયસિંહ બી. ગોહિલ  ફરજ પર હતા. તે દરમિયાન બેરેક નંબર ૧ ના કાચા કામના આરોપી હાફિઝ અરશદભાઈ અન્‍સારીએ પોતાની બેરેકમાં જવા જણાવતા તેના પર ઉશ્‍કેરાઈ બીજા કાચા કામના આરોપી કિરણભાઈ ઊર્ફે મનહર મકવાણાએ ઉશ્‍કેરાઈ સિપાઈને મોઢા પર ૫-૬ થપ્‍પડો મારી હતી અને કોર્ટમાં ખોટા આક્ષેપો કરી ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી જ્‍યારે સિપાઈ દિગ્‍વિજયસિંહ સર્કલ બહાર આવેલા શૌચાલય જઈને પરત ફરતા હતા, ત્‍યારે સલામતી યાર્ડની બાજુના સર્કલ ગેટ નંબર ૧ પાસે કાચા કામના  આરોપી કિરણ મકવાણાએ એકલતાનો લાભ ઉઠાવી અચાનક હુમલો કર્યો હતો. આરોપીએ મજબૂત બાંધાનો હોવાથી તેમને આડેધડ  મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્‍યારબાદ સ્‍ટાફ દ્વારા મુક્‍ત કરાવી તેમને જેલ દવાખાને લઈ જવાયા હતા, જ્‍યાં પ્રાથમિક તપાસમાં ડાબા કાનનો પડદો તૂટી ગયો હોવાનું જણાયું હતું. વધુ સારવાર અર્થે તેમને સર ટી. હોસ્‍પિટલના સર્જરી અને ઈ.એન.ટી. વિભાગમાં ખસેડવામાં આવ્‍યા હતા.

 આ બનાવ અંગે નીલમબાગ પોલીસ  એ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હુમલો કરનાર આરોપી ચીટીંગના કેસમાં હાલ જેલમાં હોવાનું જાણવા મળ્‍યું છે.

(11:23 AM IST)