તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
વઢવાણના નગરા ગામે વોંકળામાં નહાવા ગયેલા ચાર યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતા કરૂણમોત
સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા: યુવકો રાજસ્થાનથી સોલાર કંપનીમાં કામ કરવા આવ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના નગરા ગામે દુઃખદ ઘટના બની છે. ગામની નજીક આવેલા વોંકળામાં નહાવા પડેલા ચાર યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમના કરુણ મોત થઈ ગયા છે. હાલ સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકનો મૃતદેહ બહાર કઢાયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ચારેય યુવકો વોંકળાના પાણીમાં નહાવા માટે ઉતર્યા હતા. શરૂઆતમાં સામાન્ય રીતે નહાવા ગયેલા યુવકો અચાનક ઊંડા પાણીમાં સરકી ગયા હતા. પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાથી તેઓ બહાર આવી શક્યા નહોતા અને થોડા જ સમયમાં ચારેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
યુવકો ડૂબ્યાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગામના તરવૈયાઓ અને સ્થાનિક લોકોએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે શોધખોળ બાદ તમામ ચાર યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકો રાજસ્થાન રાજ્યના રહેવાસી હતા. તેઓ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી એક સોલાર કંપનીમાં કામ કરવા માટે થોડા સમય પહેલાં જ આવ્યા હતા. કામ દરમિયાન રજા કે ફુરસદના સમયમાં તેઓ નગરા ગામની નજીક આવેલા વોંકળામાં નહાવા ગયા હતા, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટના બાદ ચારેય યુવકોના મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ, તેમના પરિવારજનોનો સંપર્ક અને ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસને લોકોને વરસાદી ઋતુ દરમિયાન ઊંડા પાણીવાળા તળાવો, વોંકળા અને નદી જેવા સ્થળોએ નહાવા જતાં સાવચેતી રાખવાની અપીલ કરી છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
