<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ઉના પંથકમાં માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અમાનવીય કૃત્ય: વિડિઓ બનાવી બ્લેકમેલ કર્યો

હેવાનિયતનો સિલસિલો કોઈ એક દિવસનો નહીં પરંતુ છેલ્લા 3 મહિનાથી અવિરતપણે ચાલી રહ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ભારે રોષ અને સનસનાટી મચી ગઈ

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં માનવતાને લજવી નાખતી અને હચમચાવી દેતી એક અત્યંત ઘૃણાસ્પદ તથા સંવેદનશીલ ઘટના સામે આવી છે. ઉનાના એક ગ્રામ્ય વિસ્તારમાં એક નિદોષ અને માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતો મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હેવાનિયતનો સિલસિલો કોઈ એક દિવસનો નહીં પરંતુ છેલ્લા 3 મહિનાથી અવિરતપણે ચાલી રહ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં સમગ્ર પંથકમાં ભારે રોષ અને સનસનાટી મચી ગઈ છે. 

પીડિત પરિવાર દ્વારા પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, આરોપીઓ દ્વારા આ અમાનવીય કૃત્યનો ગુપ્ત વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. આ વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને માસૂમ બાળકને સતત બ્લેકમેઇલ કરવામાં આવતો હતો. ડરના માર્યા અને સખી ડરથી બાળકે લાંબા સમય સુધી આ માનસિક તથા શારીરિક ત્રાસ એકલાએ જ સહન કર્યો હતો. આખરે જ્યારે ત્રાસની હદ વટાઈ ગઈ અને બાળકની તબિયત તથા વર્તનમાં બદલાવ આવ્યો, ત્યારે સમગ્ર બાબત તેના પરિવારજનોના ધ્યાને આવી હતી.

 

 

આ અતિ ગંભીર ઘટનાથી સ્તબ્ધ અને આઘાતમાં સરી પડેલા પીડિતના પરિવારજનોએ તાત્કાલિક ઉના પોલીસ સ્ટેશનમાં જઈને કડક ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં એક પુખ્ત વયનો શખ્સ અને એક સગીર એમ બે જણા સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને શારીરિક અને માનસિક રીતે ભાંગી પડેલા ભોગ બનેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડીને યોગ્ય ડાક્તરી સારવાર અને પરામર્શ અપાવ્યો છે. પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે.

 

(12:00 AM IST)