News of Saturday, 8th August 2026
સંવેદનશીલ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉમદા સખાવત : સોનગઢ, પાલડી અને માટેલમાં ત્રણ નવી શાળાઓનું નિર્માણ થશે : જુઓ વિડીયો
કોઈપણ આડંબર કે સન્માન વિના શાળાની કન્યાના હસ્તે શ્રીફળ વધેરાવી સાદગીપૂર્ણ મુહૂર્ત કરાયું : શિક્ષણ અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા ઉમદા કાર્યને આવકારાયું

ઈશ્વરિયા: જાણીતા હાસ્ય કલાકાર અને સમાજસેવી, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા પોતાના હાસ્ય કાર્યક્રમો મારફતે એકત્રિત કરેલા ભંડોળમાંથી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સખાવત કરવાની પરંપરાને આગળ ધપાવવામાં આવી છે. જેના ભાગરૂપે સિહોર તાલુકાના સોનગઢ અને પાલડી ગામ ખાતે શાળા ભવનના નિર્માણ માટે મોટી સખાવત આપવામાં આવી છે. અગ્રણીઓની હાજરીમાં કોઈપણ પ્રકારના આડંબર કે સન્માન સમારંભ વગર સાદગીપૂર્ણ રીતે આ બંને શાળાઓના નિર્માણ કાર્ય માટે મુહૂર્ત કરવામાં આવ્યા હતા.
દેશ-વિદેશમાં પોતાના હાસ્યના કાર્યક્રમો આપીને સમાજઉપયોગી કાર્યો માટે ભંડોળ એકત્ર કરતા જગદીશ ત્રિવેદી દ્વારા સોનગઢના મફતનગર વિસ્તારની પ્રાથમિક શાળા તેમજ પાલડી ગામની સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળાના ભવન નિર્માણ માટે સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. આ પ્રસંગે બંને ગામોમાં શાળાની જ નાની કન્યાના હસ્તે શ્રીફળ વધેરાવીને અત્યંત સાદગીથી ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું.
હું કોઈ ઉપકાર કરતો નથી, માત્ર નિમિત્ત છું - જગદીશ ત્રિવેદી:
પોતાના સખાવતી અભિગમ વિશે વાત કરતા જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેઓ સમાજ પર કોઈ ઉપકાર કરી રહ્યા નથી પણ માત્ર એક નિમિત્ત બની રહ્યા છે. આ જ કારણે સન્માન કે અભિવાદન વિના સાદગીપૂર્ણ રીતે કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખોડિયાર માતાજીના પવિત્ર ધામ માટેલ ખાતે આવેલી સર્વોદય સેવા સંઘ શાળા માટે પણ મુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ, એકસાથે ત્રણ શાળાઓનું નિર્માણ કાર્ય હાથ ધરાશે.
આ પ્રસંગે શિક્ષણ વિભાગના નિવૃત્ત અધિકારી રમેશભાઈ ઉપાધ્યાય, સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અજયભાઈ જોષી, કેળવણી નિરીક્ષક મનહરભાઈ ઉલવા, કલાકાર ધરમભાઈ વંકાણી, અગ્રણી અજયભાઈ શુક્લ સહિત પંચાયતના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શૈક્ષણિક નિર્માણ કાર્ય બદલ આનંદ તથા રાજીપો વ્યક્ત કર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
