તા. ૨૮ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૨ મંગળવાર
News of Saturday, 8th August 2026
સુરેન્દ્રનગરમાં 10 વર્ષથી ચાલતા ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબારનો પર્દાફાશ બાદ "SIT"ની રચના : પોલીસ ASI સહિતની સંડોવણી ખુલતા ED ને પણ રિપોર્ટ કરાશે
રાજકોટ રેન્જ આઈજી નિર્લીપ્ત રાયના આદેશથી તપાસ તેજ. મુખ્ય સૂત્રધાર સહિત અનેક આરોપીઓ હજુ ફરાર : . કરોડોનો વહીવટ સામે આવતા ગુજરાત-સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૮ : સુરેન્દ્રનગર શહેરના રતનપર-જોરાવરનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ચાલતા ડબ્બા ટ્રેડિંગના સટ્ટાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ કેસમાં ખુદ પોલીસ કર્મચારી ASI સંડોવાયેલો અને મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવતા સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લીપ્ત રાયને રતનપર વિસ્તારમાં પોલીસ કર્મચારીના નિવાસ્થાન અંગે ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે રાજકોટ રેન્જ દ્વારા દરોડા પાડવામાં આવતા કરોડો રૂપિયાનો ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ઝડપાઈ ગયો હતો.
તપાસમાં સામે આવ્યું કે જોરાવરનગર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા દસ વર્ષથી આ સટ્ટો ધમધમી રહ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ASI ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત હજુ અનેક આરોપીઓ પકડવાના બાકી હોવાથી રાજકોટ રેન્જ IG દ્વારા તાત્કાલિક અસરથી SIT ની રચના કરવાના આદેશ આપ્યા છે.
SIT ને તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા અને વધુ તપાસ તેજ બનાવવાની સૂચના આપવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસ સાથે *જેતપુર પોલીસને પણ તપાસ સોંપવામાં* આવી છે. જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની ધરપકડ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ રેન્જના આઈજી નિર્લીપ્ત રાયે જણાવ્યું કે "તમામ આરોપીઓ ઝડપાયા બાદ અને તમામ વિગતો સ્પષ્ટ થયા બાદ આ સમગ્ર કેસની ED ને પણ રિપોર્ટ કરવામાં આવશે".
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક માત્ર સુરેન્દ્રનગર પૂરતું સીમિત નથી. અનેક ગામો અને અન્ય રાજ્યોમાં પણ આ ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાનું બહાર આવવાની શક્યતા છે.
આ કેસમાં પોલીસ કર્મચારીઓ અને મોટી બ્રાન્ચોના અધિકારીઓ પણ શંકાના દાયરામાં હોવાની ચર્ચા છે. તપાસ પૂર્ણ થયા બાદ સુરેન્દ્રનગર પોલીસ તંત્રમાં મોટો ઘટસ્ફોટ થવાના એંધાણ છે.
હાલમાં આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને વધુ પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
