<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ધ્રોલ-જોડિયા પોલીસે જપ્ત કરેલા ૨૫ લાખથી વધુના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરાયો: બુટલેગરોમાં ફાળ પડી ગઈ : જુઓ વિડીયો

બુટલેગરો અને અસામાજિક તત્વો સામે પોલીસની આવી આકરી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે : અધિકારીઓએ દારૂબંધીના કડક અમલ અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૮ : જામનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બુટલેગરો સામે લાલઆંખ કરવામાં આવી છે. ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ દરોડા તેમજ કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના વિશાળ જથ્થાનો આજરોજ ધ્રોલના રાજકોટ હાઈવે નજીક આવેલા ખુલ્લા મેદાનમાં રોડ રોલર ફેરવીને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ અને ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલી ૨૯,૦૩૬ નાની-મોટી બોટલો (કિંમત રૂ. ૧૬,૯૯,૫૫૪) અને જોડિયા પોલીસ સ્ટેશન હેઠળ પકડાયેલી ૩,૨૨૧ નાની-મોટી બોટલો (કિંમત રૂ. ૮,૦૯,૩૯૦) મળીને કુલ ૩૨,૨૫૭ બોટલો (કુલ કિંમત રૂ. ૨૫,૦૮,૯૪૪) ની પંચનામા સાથે ગણતરી કર્યા બાદ ખુલ્લા મેદાનમાં પાથરીને તેના પર કાળઝાળ રોડ રોલર ફેરવી દેવાયું હતું. ક્ષણભરમાં જ લાખો રૂપિયાનો દારૂ કાચના ટુકડા અને પ્લાસ્ટિકના ડૂચામાં ફેરવાઈ ગયો હતો.

દારૂના નાશની આ કામગીરી વેળાએ કાયદો અને વ્યવસ્થાની સુનિશ્ચિતતા માટે ધ્રોલ પ્રાંત અધિકારી, ધ્રોલ મામલતદાર શ્રી, જામનગર ગ્રામ્ય DySP પીયુષ વાંદા, જોડિયા પી.આઈ. તેમજ ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. આ તકે ઉચ્ચ અધિકારીઓએ દારૂબંધીના કડક અમલ અંગે સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે બુટલેગરો અને અસામાજિક તત્વો સામે પોલીસની આવી આકરી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. પોલીસ અને વહીવટી તંત્રની આ સંયુક્ત કાર્યવાહીથી પંથકના બુટલેગરોમાં ભારે ફાળ પડી છે.

 

(1:11 PM IST)