News of Saturday, 8th August 2026
સાવરકુંડલાના સ્વાસ્થ્યના સુવર્ણ યુગનો પ્રારંભઃ ૫૭.૬૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૮: પંથક માટે આજે ઐતિહાસિક અને ગૌરવનો દિવસ સાબિત થયો. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદહસ્તે કુલ રૂ. ૫૭.૬૦ કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.
આ પ્રસંગે રૂ. ૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની અદ્યતન સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા જૂના સાવર તથા આંબરડી ઙ્કાથમિક આરોગ્ય કેન્દ્રોના નવા ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ ત્રણેય પ્રકલ્પો પૂર્ણ થતાં સાવરકુંડલા તથા સમગ્ર પંથકના હજારો પરિવારોને પોતાના વિસ્તાર નજીક જ વધુ સુવિધાસભર, આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે પાનસેરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતળત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના દરેક નાગરિક સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પણ આધુનિક હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને તબીબી સુવિધાઓનું મજબૂત નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને સારવાર માટે દૂર સુધી જવું ન પડે.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, ‘ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વિધાનસભાના મારા પ્રથમ સત્રમાં સાવરકુંડલાને જિલ્લા કક્ષાની આધુનિક સિવિલ હોસ્પિટલ મળે તેવી મેં પ્રથમ રજૂઆત કરી હતી.
આજે તે સંકલ્પ સાકાર થતો જોઈને અત્યંત સંતોષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ માત્ર એક ઇમારત નથી, પરંતુ હજારો પરિવારોના જીવનની સુરક્ષા અને વિશ્વાસનું પ્રતિક છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે નવી સિવિલ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર યુનિટ, બાળકો માટે અત્યાધુનિક ICU, મલ્ટી-સ્પેશિયાલિટી સારવાર સહિતની આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે સમગ્ર વિસ્તારના દર્દીઓને જીવનરક્ષક સારવાર પોતાના વિસ્તારમાં જ મળી શકશે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ,દક્ષાબેન ચોડવડીયા તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન મહીડા, નગરપાલિકાના પ્રમુખી નયનાબેન કાપડીયા, બાધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પાનસુરિયા,આરોગ્ય સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રદીપભાઈ ભાખર,ડેનીભાઈ પરમાર ચેરમેન સામાજિક ન્યાય સમિતિ,જીલ્લા મહામંત્રીશ્રી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
એક જ દિવસે ત્રણ સ્થળોએ આરોગ્ય સુવિધાઓના વિકાસકાર્યોની શરૂઆત થવી સમગ્ર સાવરકુંડલા પંથક માટે ગૌરવ અને સૌભાગ્યની ક્ષણ બની રહી છે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
