તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે ખુશખબર: રાજકોટથી કાનાલુસ સુધીનો રેલમાર્ગ હવે ડબલ ટ્રેક, મુસાફરી થશે વધુ ઝડપી અને આરામદાયક
અલિયાબાડા-જામનગર વચ્ચે ૧૨૩ કમી/કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ; રેલવે સુરક્ષા કમિશનરે પેસેન્જર ટ્રેનો દોડાવવા આપી લીલી ઝંડી!

રાજકોટ : સૌરાષ્ટ્રના લાખો રેલવે મુસાફરો અને વેપારીઓ માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ડિવિઝન હેઠળ આવતા આલિયાવાડા-જામનગર વચ્ચેના ૧૩.૫૩ કિલોમીટર લાંબા બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર હવે પેસેન્જર ટ્રેનોના સંચાલનને રેલવે સુરક્ષા કમિશનર (CRS) દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય સાથે જ નવી નવ નિર્મિત રેલવે લાઈન પર ટ્રેનો ધમધમવાનો માર્ગ સાવ મોકળો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ૭ ઓગસ્ટના રોજ રેલવે કમિશનર ઈ. શ્રીનિવાસ દ્વારા આ સમગ્ર ડબલિંગ રેલખંડનું અત્યંત વિસ્તૃત અને ઝીણવટભર્યું સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષાના તમામ કડાક ધોરણો અને રેલવે અધિનિયમ ૧૯૮૯ની જોગવાઈઓ પૂર્ણ જણાતાં સુરક્ષા પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. નિરીક્ષણ દરમિયાન મુખ્ય વહીવટી અધિકારી પ્રદીપ ગુપ્તા અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગીરીરાજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.
આ ડબલિંગ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી હવે રાજકોટથી જામનગર અને જામનગરથી છેક કાનાલુસ સુધીનો સમગ્ર રેલવે માર્ગ સંપૂર્ણપણે ડબલ લાઈન થઈ ગયો છે. આનાથી ટ્રેક ક્ષમતામાં મોટો વધારો થશે અને ટ્રેનોને ક્રોસિંગ કે સિગ્નલ માટે પડી રહેવું નહીં પડે. પરિણામે ટ્રેનો સમયસર દોડશે, મુસાફરોનો કિંમતી સમય બચશે અને ભવિષ્યમાં આ રૂટ પર નવી ટ્રેનો શરૂ કરવાનું તેમજ માલગાડીઓના ટ્રાફિકને પહોંચી વળવાનું કામ ખૂબ સરળ બનશે.
આ સિદ્ધિમાં સૌથી આકર્ષક બાબત એ રહી કે, નવનિર્મિત બીજી રેલલાઈન પર ઇલેક્ટ્રિક એન્જિન સાથે કલાકના ૧૨૩ કિલોમીટરની તોફાની ઝડપે સ્પીડ ટ્રાયલ હાથ ધરાયો હતો, જે પૂર્ણપણે સફળ રહ્યો છે. હાલ પૂરતી આ નવી લાઈન પર મહત્તમ ઝડપ આલિયાવાડા-હાપા સેક્શન માટે ૧૦૦ કિમી/કલાક અને જામનગર સેક્શન માટે ૯૦ કિમી/કલાક નક્કી કરવામાં આવી છે. આ ડબલ ટ્રેક શરૂ થતાં જ આખા સૌરાષ્ટ્રનું રેલવે કનેક્ટિવિટી નેટવર્ક બમણી તાકાત સાથે ધમધમવા લાગશે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
