તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
કચ્છી મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટે મોટો નિર્ણય: ૫૩૫ સખી મંડળોને રૂ. ૧૪.૦૫ કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર!
ડે-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત વિશેષ ઝુંબેશ સફળ; હસ્તકલા, પશુપાલન અને ગૃહઉદ્યોગો સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓને મળશે આત્મનિર્ભરતાનું નવું બળ!

ભુજ : કચ્છ જિલ્લામાં ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી સ્વરોજગારી તરફ પ્રેરિત કરવા માટે હાથ ધરાયેલી 'સખી મંડળ કેશ ક્રેડિટ ઝુંબેશ'ને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. આ વિશેષ અભિયાન હેઠળ કચ્છના ૫૩૫ જેટલા સખી મંડળો માટે રૂ. ૧૪.૦૫ કરોડની માતબર કેશ ક્રેડિટ લોન મંજૂર કરવામાં આવી છે.
'ડે-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' (DAY-NRLM) યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને કોઈપણ વિલંબ વગર સરળતાથી ધિરાણ ઉપલબ્ધ થાય તેવા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા જુલાઈ-૨૦૨૬ના મહિનાને એક વિશેષ લક્ષિત અભિયાન તરીકે યોજવામાં આવ્યો હતો. આ ઝુંબેશ અંતર્ગત બેંકના અધિકારીઓ અને તાલુકા કક્ષાના સ્ટાફ સાથે તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજીને બ્રાન્ચવાર ચોક્કસ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા, જેના સકારાત્મક પરિણામે સમગ્ર જિલ્લામાં રેકોર્ડબ્રેક લોન મંજૂરી શક્ય બની છે.
સરકારશ્રીની આ નાણાકીય સહાયથી કચ્છની પરંપરાગત હસ્તકલા, પશુપાલન, ખેતીવાડી, ડેરી ઉદ્યોગ તેમજ ફૂડ પ્રોસેસિંગ જેવા વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલી હજારો મહિલાઓને પોતાના લઘુ અને ગૃહઉદ્યોગોનો વ્યાપ વધારવા માટે નવું બળ મળશે. આ નાણાકીય ટેકાથી મહિલા ઉદ્યોગસાહસિકોમાં આત્મવિશ્વાસ વધશે અને તેઓ સ્વતંત્ર રીતે આત્મનિર્ભર બની શકશે.
જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ અભિયાન કચ્છની ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી આર્થિક સશક્તિકરણ માટે અત્યંત મહત્વપૂર્ણ માધ્યમ સાબિત થશે. સરકારની આ લોકકલ્યાણકારી પહેલથી ગામડાંના આર્થિક વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધુ મજબૂત અને નિર્ણાયક બનશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
