તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
ગિરનાર પર્વત પર સિંહ અને દીપડા બાદ હવે મગરનો ફફડાટ: ૪૦૦મા પગથિયે અચાનક વિશાળ મગર દેખાતાં શ્રદ્ધાળુઓમાં નાસભાગ!
પથ્થર સમજીને નજીક પહોંચેલા યાત્રિકો મગરે હલનચલન શરૂ કરતાં જ ગભરાયા; વનવિભાગ અને પર્યાવરણવિદો માટે આટલી ઊંચાઈ પર મગરનું મળી આવવું આશ્ચર્યનો વિષય!

જૂનાગઢ: ગુજરાતના પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પરથી એક અત્યંત આશ્ચર્યજનક અને ભયાનક ઘટના સામે આવી છે. સાધુ-સંતો અને ગિરનારી બાવાની તપોભૂમિ ગણાતા આ પર્વત પર અગાઉ અનેકવાર એશિયાટિક સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ જોવા મળ્યા છે, પરંતુ આ વખતે ગિરનારના ૪૦૦મા પગથિયાં પાસે અચાનક એક વિશાળ મગર દેખાતાં યાત્રિકો અને સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને તેમજ દત્તાત્રેય શિખર તરફ વધી રહ્યા હતા, ત્યારે સીડીઓની બાજુમાં આવેલા પથ્થરો પર મગર સ્થિર પડી રહ્યો હતો. શરૂઆતમાં મગર પથ્થરો સાથે એવી રીતે ભળી ગયો હતો કે લોકો તેને સામાન્ય પથ્થર કે આકૃતિ સમજીને આગળ વધી રહ્યા હતા. પરંતુ થોડી જ ક્ષણોમાં મગરે હલનચલન શરૂ કરી ચાલવાનું ચાલુ કરતાં જ ત્યાં હાજર લોકોના હોશ ઊડી ગયા હતા અને ચીસાચીસ સાથે નાસભાગ મચી ગઈ હતી.
મગર સીડીના કિનારેથી ધીમે ધીમે ચાલીને પહાડી જંગલના ઝાડી-ઝાંખરા તરફ સરકી ગયો હતો. સામાન્ય રીતે નદી કે તળાવ જેવા જળાશયોમાં વસતો મગર ગિરનાર પર્વત પર આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યો તે અંગે વનવિભાગ અને સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને રાત્રિ કે વહેલી સવારે ગિરનાર ચઢતા શ્રદ્ધાળુઓને સીડીના કિનારેથી દૂર રહેવા તથા સાવચેતી વર્તવા સલાહ આપવામાં આવી છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
