<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

જૂનાગઢ જિલ્લા જેલમાં ‘નશા મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત ભવ્ય જાગૃતિ સેમિનાર યોજાયો : ૫૦૦થી વધુ બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો

MY Bharat, સૂફી ઇસ્લામિક બોર્ડ અને જેલ પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે આયોજન : એડવોકેટ અનવર હુસૈન શેખ, રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટક, સિનિયર જેલર જી.આર. વણઝારા, જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.કે. ચંદનાણી અને ગીર સોમનાથના સેક્રેટરી એસ.ડી. પટેલનું પ્રેરક માર્ગદર્શન

જૂનાગઢ: ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત MY Bharat (મેરા યુવા ભારત) અને સૂફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી તેમજ જૂનાગઢ જિલ્લા જેલ પ્રશાસનના સંકલનથી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે "વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા અભિયાન" અંતર્ગત કેદીઓ માટે એક વિશેષ વ્યસનમુક્તિ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ૫૦૦થી વધુ બંદીવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

કાર્યક્રમનો મુખ્ય હેતુ કેદીઓમાં નશામુક્ત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા અને સ્વદેશી ભારત તેમજ નશા મુક્ત યુવા પ્રતિજ્ઞા માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમના પ્રારંભે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પૂર્વ સભ્ય, સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અનવર હુસૈન શેખ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના હેતુ અંગે સંક્ષિપ્ત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

વિશેષજ્ઞ વક્તાઓ દ્વારા પૂરું પાડવામાં આવેલું માર્ગદર્શન:

સેમિનારમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ બંદીવાનોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટક દ્વારા નશાકારક પદાર્થોના સેવનથી દેશ, સમાજ અને વ્યક્તિગત સ્વાસ્થ્યને થતાં નુકસાન વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. સિનિયર જેલર જી.આર. વણઝારા દ્વારા જેલ વેલ્ફેર અને કેદીઓના પુનર્વસન કાર્યક્રમો અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

 

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.કે. ચંદનાણી દ્વારા નાર્કોટિક્સના સેવન અને હેરાફેરી સામેના કડક કાયદાકીય જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એસ.ડી. પટેલ દ્વારા જેલમાંથી મુક્તિ બાદ કૌશલ્ય વિકાસ અને સમાજસેવાના કાર્યક્રમોમાં જોડાવા માટે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

મહાનુભાવોની ઉપસ્થિતિ અને નશામુક્તિની પ્રતિજ્ઞા:

આ સેમિનારમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશીયા, સામાજિક કાર્યકર ભાવેશભાઈ કચાડા, સામાજિક કાર્યકર ચુંદુભાઈ જે. મકવાણા અને સામાજિક કાર્યકર શ્રીમતી કનકબેન એચ. વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે એડવોકેટ શ્રીમતી અમન શેખ દ્વારા ઉપસ્થિત સૌ બંદીવાનો અને ઉપસ્થિતોને "નશા મુક્ત ભારત પ્રતિજ્ઞા" લેવડાવવામાં આવી હતી, અને ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.

(4:20 PM IST)