<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ભુજમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત બીએસએફ દ્વારા ભવ્ય અને પ્રેરણાદાયી તિરંગા બાઈક રેલી યોજાઈ

મહિલા જવાનોની સક્રિય ઉપસ્થિતિ અને આકર્ષક બાઈક કાફલાએ નાગરિકોમાં રાષ્ટ્રપ્રત્યેનો પ્રેમ વધુ પ્રગાઢ બનાવ્યો

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે 'હર ઘર તિરંગા'અભિયાન અંતર્ગત બીએસએફ દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ રેલીએ સમગ્ર શહેરમાં રાષ્ટ્રીય ગૌરવની અદભુત ભાવના જગાવી હતી. બીએસએફની 176મી બટાલિયન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ભવ્ય રેલીની શરૂઆત બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડથી કરવામાં આવી હતી. અંદાજે 100 જેટલી મોટરસાઈકલ પર તિરંગો ધ્વજ લગાવીને જવાનો આ રેલીમાં જોડાયા હતા. કમાન્ડન્ટ યોગેશ કુમાર અને દ્વિતીય કમાન અધિકારી મહેશ નાથની વિશેષ ઉપસ્થિતિએ જવાનોનો ઉત્સાહ બેવડાવ્યો હતો. આ રેલી ભુજના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને એરોપ્લેન સર્કલ અને જ્યુબેલી સર્કલ સુધી પહોંચી હતી. ખાસ વાત એ રહી કે આ દેશભક્તિના અભિયાનમાં બીએસએફની મહિલા પ્રહરીઓએ પણ સક્રિયપણે જોડાઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

બાઈક પર લહેરાતા તિરંગા અને 'વંદે માતરમ્'ના ગાન સાથે આખી રેલી દરમિયાન ભુજ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે 'વંદે માતરમ્' ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીની ઝલક પણ આ અવસરે જોવા મળી હતી. બીએસએફના જવાનોની આ શાનદાર તિરંગા રેલીને કારણે સમગ્ર ભુજ પંથકમાં અદભુત રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને નાગરિકોએ પણ ફૂલોની વર્ષા કરીને જવાનોનું સ્વાગત કર્યું હતું.

(8:58 PM IST)