તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 10th August 2026
જોડિયાના લખતરની સીમમાં રાજકોટ રેન્જ ક્રાઇમ ટીમના દરોડા : વાડીમાંથી ચાલતું જુગારધામ ઝડપાયું, ૯ સામે ગુનો નોંધાયો
રોકડા રૂ. ૩.૩૫ લાખ, ઇકો કાર, ૩ બાઇક અને ૮ મોબાઇલ મળી કુલ રૂ. ૧૦.૨૫ લાખનો મુદ્દામાલ જ : વાડીના માલીક સહિતના સામે ફરીયાદ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ૧૦: જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં આવેલી વાડીના મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર રાજકોટ રેંજ ક્રાઇમ ટીમે અચાનક દરોડો પાડી મોટો ધમાકો કર્યો છે. પોલીસે જુગાર રમતા ૯ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, વાહનો અને મોબાઇલ મળી કુલ રૂા. ૧૦,૨૫,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેંજ ક્રાઇમ ટીમ-૧ ને ચોક્કસ બાતમી મળી હતી કે લખતર ગામની સીમમાં આવેલી વાડીમાં ગેરકાયદેસર જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે ટીમે બપોરના આશરે ૨.૧૫ વાગ્યે લખતર સીમમાં રહેતા વાડી માલિક હેમરાજભાઈ શીવાભાઈ ભાલોડિયાના મકાને દરોડો પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે વાડી માલિક હેમરાજભાઈ પોતાના કબજા ભોગવટાની વાડીએ બહારથી માણસો બોલાવી, નાલ ઉધરાવીને ગંજીપતાના પાના વડે જુગાર રમાડી અખાડો ચલાવતા હતા. દરોડા દરમિયાન વાડી માલિક સહિત તમામ ૯ ઇસમો ગંજીપતા વડે હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા.
પોલીસે દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી રોકડા રૂા. ૩,૩૫,૯૦૦, રૂા. ૫ લાખની કિંમતની એક ઇકો કાર, રૂા. ૧ લાખની કિંમતની ૩ મોટરસાઇકલ, રૂા. ૯૦,૦૦૦ની કિંમતના ૮ મોબાઇલ ફોન તેમજ ગંજીપતાના પાના, જાજમ અને લાઇટ મળી કુલ રૂા. ૧૦,૨૫,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં હેમરાજ શીવાભાઈ ભાલોડિયા (રહે. લખતર - સીનિયર સિટીઝન હોવાથી નોટિસ અપાઈ), સુખા મેઘજીભાઈ ધેટિયા (રહે. કેશિયા), કાંતિ ગંગારામભાઈ સંતોકી (રહે. વાંકિયા), પ્રવીણ અમળતભાઈ નીમાવત (રહે. ધ્રોલ), જીગ્નેશભાઈ મોહનભાઈ નાગપરા (રહે. ધ્રોલ), નિલેશ ગીરધરભાઈ ભીમાણી (રહે. વાંકિયા), અજય મનજીભાઈ ગોદવાણી (રહે. કેશિયા), નરભેરામ ટપુભાઈ ગડારા (રહે. વાંકિયા) અને લાભુભારતી બચુભારતી ગોસાઈ (રહે. કેશિયા)નો સમાવેશ થાય છે.આ સફળ કામગીરી ક્રાઇમ ટીમ-૧ના પો.કોન્સ. મિતેશભાઈ પટેલની ફરિયાદના આધારે પીએસઆઈ સી.એચ. કાંટલીયા તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી. જોડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
