News of Monday, 10th August 2026
વિરપુર પોલીસે ૧૫ લાખની છેતરપીંડીના ગુન્હામાં સુરતના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર તા.૧૦: વિરપુરની ૧૫.૦૧ લાખની છેતરપીંડીના ગુન્હામાં સુરતના આરોપીને પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૩૦૦૧૨૬૦૨૨૭/૨૦૨૬થી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪) મુજબ ગુનો નોંધાયો હતો. ગુનાના આરોપીને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવતા વિરપુર પોલીસ સ્ટેશનના PI એસ.જી. રાઠોડ, ASI નેહાબેન નરેશભાઈ જોટાણીયા, ASI ભાવેશભાઈ કાથડભાઈ ચાવડા (LCB), UHC વિપુલભાઈ ધીરૂભાઈ રાજપરા, UHC અરવિંદભાઈ નાથાભાઈ દાફડા તથા APC શૈલેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ દ્વારા તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ ગુનાનો આરોપી બ્રીજેશભાઈ મનહરભાઈ કાપડીયા, સુરત ખાતે રહે છે અને જય અલખધણી એન્ટરપ્રાઇઝ નામની પેઢીનો માલિક છે. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદીના કારખાનામાં બનાવવામાં આવેલ કુલ રૂ.૪૬,૨૪,૩૧૨ની કિંમતનો બાયોફયુઅલનો માલ લીધો હતો. આ માલના વ્યવહાર પેટે આરોપીએ અલગ-અલગ સમયે ફરિયાદીના ખાતામાં કેટલીક રકમ જમા કરાવી હતી. ત્યારબાદ કુલ વ્યવહારમાંથી રૂ.૧૫,૦૧,૯૫૮ની રકમ બાકી નીકળતી હતી. ફરિયાદી દ્વારા વારંવાર મોબાઇલ ફોન મારફતે બાકી રકમની ઉઘરાણી કરવામાં આવી હોવા છતાં આરોપીએ રકમ પરત ન આપ્યાનો આક્ષેપ છે. આરોપીએ ફરિયાદીની બાકી રકમનો અંગત ઉપયોગ કરી પરત ન આપતાં ફરિયાદીએ વિરપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ઉપરોક્ત ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયા બાદ વિરપુર પોલીસ દ્વારા માનવ તથા ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપી અંગે મહત્વની માહિતી મળતાં ગણતરીના કલાકોમાં જ બ્રીજેશભાઈ મનહરભાઈ કાપડીયા, રહે. સુરત, શેડ નં. બી-૨૫, ગ્રાઉન્ડ ફ્લોર, દેવ કેમ્પસ, કોસમાડા રોડ, તા.જી. સુરત.વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. આરોપી વિરુદ્ધ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૦૨૬૦૨૬૨/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨) મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
વિરપુર પોલીસ સ્ટેશનના PI એસ.જી. રાઠોડ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, કોઈ અજાણી વ્યક્તિ વેપારી કે અન્ય વ્યવસાયિક તરીકે ઓળખ આપી લોભ-લાલચ, વધુ નફાની લાલચ કે અન્ય કોઈ પ્રલોભન આપી નાણાકીય વ્યવહાર કરવા જણાવે ત્યારે સંપૂર્ણ ખરાઈ કર્યા વિના નાણાં આપવાનું ટાળવું.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
