તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટ બેલ્ટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ
બપોર બાદ અચાનક ઘેરાયેલા વાદળો અને હળવા પવનો વચ્ચે શરૂ થયેલા વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા

અમરેલી જિલ્લાના મહત્ત્વના એવા જાફરાબાદ કોસ્ટ બેલ્ટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે વાતાવરણમાં ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. લોકો આતુરતાપૂર્વક મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા અને આખરે અચાનક પલલાયેલા હવામાન વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં અદભૂત ઠંડક પ્રસરી ગઈ છે.
જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અંતરિયાળ ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાની આ સવારીથી સર્વત્ર આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. બપોર બાદ અચાનક ઘેરાયેલા વાદળો અને હળવા પવનો વચ્ચે શરૂ થયેલા વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદને કારણે માત્ર ગરમીથી જ રાહત નથી મળી, પરંતુ ખેતી ક્ષેત્રે પણ આ વરસાદ ખૂબ જ ગુણકારી સાબિત થશે તેવી આશા બંધાઈ છે. પાકને જીવનદાન આપવામાં આ પ્રકારના વરસાદી ઝાપટા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં આ પ્રકારના છૂટાછવાયા વરસાદી ઝાપટા અથવા સારો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામતાની સાથે જ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
