<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

અમરેલીના અનુકંપા ફાઉન્‍ડેશનના ‘‘ટુ વ્‍હીલર ફોર ટુ'' અભિયાન-બાઈક રેલીને ભૂપેન્‍દ્રભાઈ પ્રસ્‍થાન કરાવશે

આ અભિયાનના પ્રણેતા ડો. ભરત કાનાબારનો ઉદ્દેશ રસ્‍તા પર લિફ્‌ટ આપવા અને લેવાની સંકોચ દૂર કરીને તેને એક સામાન્‍ય અને સ્‍વાભાવિક સામાજિક વ્‍યવહાર બનાવવાનો : શુક્રવારે કૌશિકભાઈ વેકરીયા, ભરતભાઈ સુતરીયા સહિતના ઉપસ્‍થિત રહેશે

(અરવિંદ નિમેળ દ્વારા)અમરેલી તા.૧૧: અમરેલીની સેવાભાવી સંસ્‍થા અનુકંપા ફાઉન્‍ડેશન દ્વારા સામાજિક સોહાર્દનો સંદેશ ફેલાવવા ‘‘ટુ વ્‍હીલર ફોર ટુ'' નામનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. આ અભિયાન હેઠળ બાઈક ચાલકો પોતાની ખાલી રહેતી સીટ અન્‍યને લિફ્‌ટ આપવા માટે ઓફર કરશે.

આ અભિયાનના પ્રણેતા ડો. ભરત કાનાબાર છે. તેમનો ઉદ્દેશ રસ્‍તા પર લિફ્‌ટ આપવા અને લેવાની સંકોચ દૂર કરીને તેને એક સામાન્‍ય અને સ્‍વાભાવિક સામાજિક વ્‍યવહાર બનાવવાનો છે. જેમ આપણે ઘરે આવનાર મહેમાનને પાણી આપીએ છીએ તેમ રસ્‍તે જતા થાકેલા વ્‍યક્‍તિને લિફ્‌ટ આપવી જોઈએ તેવો આશય છે. આનાથી રોડ પર વાહનોની સંખ્‍યા ઘટશે, ટ્રાફિક અને અકસ્‍માતો ઓછા થશે તેમજ પેટ્રોલ-ડીઝલ અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

આ અભિયાનના ભાગરૂપે તા. ૧૪ ઓગસ્‍ટના બપોરે સમર્થ વ્‍યાયામ મંદિર અખાડા પાસેથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. રેલીને મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સંબોધન કરીને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવશે.

રેલીનો માર્ગઃસેન્‍ટર પોઈન્‍ટથી નાગનાથ મંદિર, લાયબ્રેરી ચોક, કાશ્‍મીરા ચોક, ટાવર, રાજકમલ ચોક, એસ.ટી. ડેપો થઈને સિવિલ હોસ્‍પિટલ કેમ્‍પસમાં આવેલ રેડક્રોસ બ્‍લડ બેંક સુધી જશે. ત્‍યાં ચા-નાસ્‍તા બાદ રેલીનું સમાપન થશે.

રેલીમાં શહેરના ડોકટરો, વકીલો, વેપારીઓ, બિઝનેસમેન, રાજકીય અને સામાજિક આગેવાનો જોડાશે. આ કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્‍ય અને મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ  ભરતભાઈ સુતરીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

અમરેલીના નાગરિકોને આ રેલીમાં સામેલ થવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(10:38 AM IST)