<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

પોરબંદરનું એક પણ ઘર તિરંગા વગર ન રહેઃ સાગરભાઇ મોદી

મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડના દરેક ઘર સુધી તિરંગો પહોંચાડવા જવાબદારી સોંપાઇઃ મેયર સાગરભાઇના અધ્‍યક્ષસ્‍થાને કોર્પોરેટરો સાથે બેઠક મળીઃ ‘હર ઘર તિરંગા-ર૦ર૬' ને જન અભિયાન બનાવવાનો સંકલ્‍પ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧: મહાનગરપાલિકાના મેયર સાગરભાઇ મોદીના અધ્‍યક્ષ સ્‍થાને કોર્પોરેટરો સાથે યોજાયેલી બેઠકમાં હર ઘર તિરંગા-ર૦ર૬ ને જન અભિયાન બનાવવાનો સંકલ્‍પ કરીને શહેરનું એક પણ ઘર તિરંગા વિના ન રહે તે જોવા મેયર સાગરભાઇએ કોર્પોરેટરોને જણાવ્‍યું હતું. મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડ વિસ્‍તારોમાં દરેક ઘર સુધી તિરંગો પહોચાડવા જવાબદારી સોપવામાં આવી છે.

મહાનગરપાલિકાના મેયરશ્રી સાગરભાઈ મોદીના અધ્‍યક્ષસ્‍થાને મહાનગરપાલિકાના કોર્પોરેટરો સાથે ‘હર ઘર તિરંગા-૨૦૨૬' અંતર્ગત મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ‘હર ઘર તિરંગા' અભિયાનને વધુ વ્‍યાપક અને જનભાગીદારી આધારિત બનાવવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયરશ્રી સાગરભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા'ને માત્ર સરકારી કાર્યક્રમ પૂરતો સીમિત ન રાખીને દરેક વોર્ડ અને દરેક પરિવારનું જન અભિયાન બનાવવાનું આયોજન છે. સરકારની માર્ગદર્શિકા મુજબ તા. ૧૭ ઓગષ્ટ સુધી ‘હર ઘર તિરંગા-વંદે માતરમના ૧૫૦ વર્ષ' થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

મેયરશ્રી સાગરભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, પોરબંદરનું એક પણ ઘર તિરંગા વગર ન રહે તે માટે દરેક કોર્પોરેટર શ્રીઓએ પોતાના વોર્ડની જવાબદારી સંભાળી ડોર-ટુ-ડોર અભિયાનનું નેતળત્‍વ કરવા, કોર્પોરેટરોને સ્‍થાનિક ટીમ સાથે ઘરે-ઘરે જઈ તિરંગાનું વિતરણ કરવા તેમજ દરેક પરિવારને પોતાના ઘરે સન્‍માન અને ગૌરવપૂર્વક રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવા માટે પ્રેરિત કરવા સૂચના આપવામાં આવી હતી.

નાગરિકોમાં રાષ્‍ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્‍યે ગૌરવની ભાવના વધુ મજબૂત બને તે માટે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી તિરંગા સાથે સેલ્‍ફી લેવા પણ મેયરશ્રી એ અપીલ કરી હતી. દરેક કોર્પોરેટરને પોતાના વોર્ડમાં સક્રિય રીતે કામગીરી કરી દરેક પરિવાર સુધી તિરંગો પહોંચાડવા અને ‘હર ઘર તિરંગા' અભિયાનને પોરબંદર મહાનગરપાલિકામાં જનભાગીદારીનું વ્‍યાપક સ્‍વરૂપ આપવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં ડેપ્‍યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, ‘હર ઘર તિરંગા' અભિયાનના નોડલ ઓફિસર આરતીબેન ત્રિવેદી સહિત મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(1:13 PM IST)