<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મોરબી મચ્‍છુ જળ હોનારતની ૪૭મી વરસીઃ દિવંગતોને શ્રધ્‍ધાંજલી અર્પણ

કેવી હતી હોનારત.. અતીતની યાદોં પર એક દ્રષ્ટિપાતઃ પૂરના પાણી તો આવ્‍યાને ઓસરી પણ ગયા, પણ તેમાં અકાળે મોતને ભેટેલા દિવંગતોના પરિવારની આંખોમાં આજની તારીખે અશ્રુઓના પુર ઓસરતા નથી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૧: પવિત્ર શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા હતા, બોલચોથ ને તા હતી ૧૧/૮/૧૯૭૯ જે દિવસ કાળની વેદી પર કોતરાયેલ દિવસ અને મોરબી પંથકના રહેવાસીઓ માટે એ કાલમુખો દિવસ અને તેને મોરબીવાસીઓ કયારેય નહી ભૂલે.

મોરબીની ધીંગી ધરાને મેહુલિયો ચાર ચાર દિવસથી મન મુકી ભીંજવી રહ્યો હતો. અને સાથે પવનના સુસવાટાથી સમગ્ર મોરબી પંથકમાં એકમાં વાતાવરણ બીહામણુ બની ગયુ હતુ. શહેરી વિસ્‍તારમાં વરસાદ અને પવનના સુસવાટાના કારણે લોકોની અવરજવર પાતળી રહી હતી. જેથી બજારો પણ બંધ અને સુનકાર લાગતી હતી. કહીશ શકાય કે કફર્યુ જેવુ લાગતુ હતુ. મેઘરાજા વિરામ લેવાનું નામ લેતા નહોતા. ડેમમાં પાણીનુ જળસ્‍તર કુદકે ને ભુસકે વધી રહ્યુ હતુ

તા. હતી ૧૧/૮ બપોરના લગભગ સવા ત્રણ વાગ્‍યાનો સમય હતો. જીવમાત્ર પોતપોતાના ઘરોમાં વિશ્રામ કરી રહ્યો હતો.

અચાનક શેરી ગલીઓમાં બુમરાણ થવા લાગી.... ડેમ તૂટયો.. ડેમ તૂટયો... ભાગો ભાગો... અને થોડીવારમાં તો સુમસામ ભાસતી શેરી ગલીઓમાં દોડધામ મચી ગઈ.. માણસ પોતાનું સર્વસ્‍થ પડતુ મુકી પોતાનો અને પરિવારનો જીવ બચવવા આજુબાજુના ઉંચા આશ્રય સ્‍થાન શોધતો રહ્યો. પરંતુ ઘસમસ્‍તા પૂરના પાણી ગણતરીની મિનિટોમાં મોરબી પંથકમાં ફરી વળ્‍યા, અને મોરબી બાનમાં લઇ લીધુ. કોઈ ને ઉંચા આશ્રય સ્‍થાનો મળ્‍યા તો કોઈ, એકલ દોકલ, કોઈ કોઈ તો પરિવારથી છૂટી જઈ મચ્‍છુના ઘસમસતા પાણીના પ્રવાહ સાથે કયાં ગયા ખબર જ ના પડી, તણાય ગયા સાથો સાથ પોતાના કાચાપાકા નિવાસસ્‍થાનો છોડીને બાજુના ઉંચા આશ્રયાસ્‍થાનો પર પહોંચેલા લોકો પત્તાના મહેલની જેમ જમીન દોસ્‍ત થતા મકાનો નજારોનજર નિહાળી, પોતાના જીવનની પુંજી પાણીના પ્રવાહમાં તણાતી જોઈ પાગલ સમા બની ગયા હતા.

મોરબીમાં પોતાનું સર્વસ્‍વ ગુમાવી ચુકેલા માનવીને હવે રહેવા કે ખાવા કંઈ રહ્યુ નહોતુ, ઉપર આભ ને નીચે ધરા હતા. પણ અહીં થી જવા સીવાય બીજો કોઈ વિકલ્‍પ નહોતો. પણ જવુ તો કયાં જવુ કોની પાસે જવુ, કેમ કરી જવુ આવા મણ મણના સવાલોએ તે દી મોરબીવાસીઓને બેબશ, પરવાસ, લાચાર અને મજબુર બનાની દીધો હતો. ભારે હૈયે પગમાં બેડીઓ જડી હોય તેમ પોતાના કુટુંબ કબીલા સાથે આગળ ધીમા ધીમા ડગ ભરતો, ગારા ખૂંદતો પોતાની જન્‍મભૂમિ છોડતાં છોડતાં મનોમન રડી રહ્યો હતો.

લાશોના આ શહેરમાં એકત્રિત કરેલી લાશોને અગ્નિદાહ આપવા લાકડા નહોતા અને લાશોના ખડકલા સાથે મોરબીનું સ્‍મશાન પણ ટૂંકું પડ્‍યુ તુ, કેરોસીન અને પેટ્રોલ છાંટી કરાતા સામુહિક અગ્નિસંસ્‍કારના દ્રશ્‍યોએ ભલભલા મરદ મુછાળાના પણ કાળજા કંપાવી આંખો ભીની કરનારા હતા.અને આ અતિ કઠીન, કપરું પણ પવિત્ર કાર્ય રાષ્‍ટ્રીય સેવક સંઘ, સેવાભાવીઓ દ્વારા સુપેરે સંપન્ન કરવામાં આવ્‍યુ હતુ.

જાણ થતાની સાથેજ તત્‍કાલીન ગુજરાતના મુખ્‍યમંત્રી બાબુભાઇ જશભાઈ પટેલ કેબિનેટ મંત્રીઓ સાથે મોરબી આવી પહોંચ્‍યા હતા. અને અહીજ રોકાઈને ગુજરાતનો વહીવટ દિવસો સુધી સંભાળ્‍યો હતો.

મોરબી પંથકમાં આવેલ એ મચ્‍છુ ગોજારી જાળહોનારતમાં કેટલી માનવ જીદગીઓ, કેટલા અબોલ જીવો મોતને ભેટયા ? તેનો આજે પણ જવાબ નથી. અને એ મળશે પણ નહી.

સમયના વહેતા પ્રવાહમાં આજે આ કુદરતી તાંડવને ૪૭ વર્ષના વાણા વાઈ ગયા છે. જાળહોનારત, વાવાજોડું ત્‍યારબાદ ધરતીકંપ જેવી અનેક કુદરતી આફતોએ મોરબીવાસીઓની કપરી પરીક્ષાઓ લીધી, રોડ પર લાવી દીધો. પણ મારા મોરબીવાસીઓ દરેક પડકારમાં પાયમાલ થવા છતાં  પોતાની ખુમારી, ખુદ્દારી, સખત પરિશ્રમ અને દૂરદ્રષ્ટિથી આજે વિશ્વના નકશા પર નામ કંડારીયુ છે. જે પડ્‍યા પછી ઉભુ કેમ થવાય તે શીખવી જાય છે. મચ્‍છુ જાળહોનારતના તમામ દિવંગતોને ‘‘અકિલા'' પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

મોરબીમાં મચ્‍છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્‍માઓની સ્‍મળતિમાં આજે તારીખ ૧૧ ઓગસ્‍ટ, ૨૦૨૬ને મંગળવારના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્‍મળતિ રેલી અને સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સ્‍મળતિ રેલીનો પ્રારંભ બપોરે ૦૩: ૧૫ કલાકે મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક મેઈન ઓફિસ ખાતેથી કરવામાં આવશે. આ રેલીનો નિર્ધારિત રૂટ મોરબી મહાનગરપાલિકા ગાંધી ચોક મેઈન ઓફિસથી નીકળી શાક માર્કેટ, નગર દરવાજા, પરાબજાર મેઈન રોડ, ત્રિકોણ બાગ થઈને મણીમંદિરના પટાંગણ સુધીનો રહેશે.

રેલી મણીમંદિર ખાતે પહોંચ્‍યા બાદ ત્‍યાં મણીમંદિર પટાંગણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ રેલીમાં જોડાનાર તમામ નાગરિકોને સફેદ વષાોમાં ઉપસ્‍થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

(11:57 AM IST)