News of Tuesday, 11th August 2026
જામનગર જિલ્લા સમરસ વિદ્યા સેતુ અભિયાન નગર પંચાયત કન્યા વિદ્યાલય જામજોધપુર-લાલપુર તાલુકા શાળામાં યોજાયેલા કાર્યક્રમોમાં ૪૪૦ વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૧ : રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર નગર પંચાયત કન્યા વિદ્યાલય અને લાલપુર તાલુકા શાળા ખાતે સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમને સંબોધતા રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસો અને શિક્ષણ વિભાગની કાર્યનિષ્ઠાના પરિણામે વધુમાં વધુ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. જામનગર જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. રાજ્ય સરકાર બાળકીના જન્મથી લઈને તેના શિક્ષણ અને સશક્તિકરણ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. સુકન્યા સમળદ્ધિ યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના સહિતની અનેક યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસોથી બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, લાલપુર તાલુકામાં આશરે ૩૦૦ જેટલા અને જામજોધપુર તાલુકામાં આશરે ૧૪૦ જેટલા બાળકોનો પુનઃ પ્રવેશ કરાવવામાં સફળતા મળી છે. જે સમગ્ર શિક્ષણ તંત્ર માટે ગૌરવની બાબત છે. આ કામગીરી બદલ મંત્રીશ્રીએ શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને સમાજના સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ જોડાયેલા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પુનઃ પ્રવેશ અભિયાનમાં ઉત્કળષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપનાર દાતાશ્રીઓને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય હેમતભાઈ ખવા, પૂર્વ કેબીનેટમંત્રી ચીમનભાઈ સાપરિયા, જામજોધપુર અને લાલપુર એપીએમસી ચેરમેનશ્રીઓ શિવરાજસિંહ જાડેજા અને કાનાભાઈ આંબલીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશભાઈ હીરપરા, અગ્રણીઓ બ્રીજરાજસિંહ જાડેજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રદ્યુમનસિંહ, રમેશભાઈ ગાગિયા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને સદસ્યશ્રીઓ, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી વિપુલ મહેતા, સરપંચશ્રીઓ, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
