જામનગરના વિકાસને વેગ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૧૦૫ કરોડનો ચેક અર્પણ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦૫ કરોડની માતબર રકમની ફાળવણી: ગાંધીનગર ખાતે ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ચેકનો સ્વીકાર.

જામનગર : રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીનગર ખાતે રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનાવિકાસકાર્યોને વેગ આપવા માટે ભવ્ય અને ગૌરવશાળી ચેક અર્પણ સમારોહ સંપન્ન થયો હતો. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યની અલગ-અલગ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કુલ રૂ. ૩૮૫૦ કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત, જામનગર મહાનગરપાલિકાને શહેરના વિકાસકાર્યોને વેગ આપવા માટે રૂ. ૧૦૫ કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ,.કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકા તરફથી મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, માન.ડે.મેયર રાકેશભાઈ ડેર, માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનકુમાર મોનાણી, કમિશનર દીપેશ કેડિઆ. શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક શ્રીમતી પ્રવિણાબેન રૂપડીયા,સીટી ઈજનેર અને આસી. કમિશનર ભાવેશ જાની તથા આસી. કમિશનર ટેક્સ જીગ્નેશ નિર્મલ દ્વારા મુખ્યમંત્રીના વરદહસ્તે ચેક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા આ ઉદાર ફાળવણી બદલ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને "વિકસિત ભારત, વિકસિત ગુજરાત" ના આ વિઝનમાં "વિકસિત અને આધુનિક જામનગર" ના નિર્માણ થકી મોખરાનું યોગદાન આપવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
