News of Tuesday, 11th August 2026
કેશોદના માણેકવાડા પાસે એમ્બ્યુલન્સ અને ઓટો રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત
ઓવરટેક દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં 74 વર્ષીય રીક્ષા ચાલકનું મોત, હાઇવે પર એક સપ્તાહમાં ત્રીજો બનાવ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : કેશોદ શહેર નજીક આવેલા મઘરવાડા ફાટક પાસે આજે સવારે એમ્બ્યુલન્સ અને ઓટો રીક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે કેશોદ આસપાસના હાઇવે રોડની સુરક્ષા અંગે ફરી એક વાર સવાલો ઉઠ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, રિક્ષા નં. GJ-02-AU-3035 અને એમ્બ્યુલન્સ નં. GJ-11-TP-9509 વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં એમ્બ્યુલન્સ રીક્ષાને ઓવરટેક કરી રહી હતી તે દરમિયાન બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ દુર્ઘટનામાં રીક્ષા ચાલક કિશોરભાઈ મોરારજીભાઈ ભટ્ટ, ઉંમર વર્ષ 74, રહેવાસી કેશોદને કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના ડૉકટરે મૃત્યુ પામ્યાં નું જાહેર કર્યું હતું. મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે કેશોદ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. કેશોદ થી લુશાળા પેસેન્જર લઈને જઈ રહેલા રીક્ષા ચાલક કિશોરભાઈ મોરારજીભાઈ ભટ્ટ નું આકસ્મિક મૃત્યુ થયાના સમાચાર મળતાં જ સમાજના આગેવાનો પરિવારજનો કેશોદ સરકારી દવાખાને દોડી આવ્યાં હતાં.
નોંધનીય છે કે કેશોદ આસપાસના હાઇવે રોડ પર છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજો અકસ્માત નોંધાયો છે. વારંવાર થતા અકસ્માતોના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ પર અવારનવાર સર્જાતી અકસ્માતની ઘટનાઓને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. કેશોદ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
