તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Wednesday, 12th August 2026
મોરબીના રંગપર બેલામાં કારખાનામાં છાપરેથી પટકાતાં જામકંડોરણાના કાનજી પરમારનું મોત
૨૧ વર્ષના યુવાને રાજકોટમાં દમ તોડયોઃ બે મહિનાથી અહિ મજૂરી કરતો હતોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૨: મોરબીના રંગપર બેલા ગામે ટાઇલ્સ ફેક્ટરીમાં છાપરા પર ચડી સફાઇ કામ કરતી વખતે જામકંડોરણાનો ૨૧ વર્ષનો યુવાન પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. બે મહિનાથી તે અહિ રંગપરમાં રહી ફેક્ટરીમાં મજૂરી કરતો હતો.
જાણવા મળ્યા મુજબ જામકંડોરણાનો વતની કાનજીભાઇ વિક્રમભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામનો યુવાન મોરબીના રંગપર બેલા ગામે આવેલી કેજીએલ ટાઈલ્સ પાસે રહેતો હતો અને ફેક્ટરીમાં મજૂરી કરતો હતો. તે ગઇકાલે ફેક્ટરીમાં બારેક ફુટ ઉંચાઇ પર આવેલા છાપરા પર ચડી સફાઇ કરતો હતો ત્યારે પતરૂ તૂટતાં પગ લપસતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
તેને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને કરી હતી. મૃતયુ પામનાર કાનજીભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. પોતે અહિ રંગપર બે મહિનાથી મજૂરી કરવા આવ્યો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
