તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 12th August 2026
પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ૧૬મી શાળાનું ગઢડાના સાંજણાવદર ગામે લોકાર્પણ : જાદવજીબાપા ધામેલીયાના નામે સમર્પિત
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મહંત શંભુપ્રસાદજી ટુંડિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી અને પદ્મશ્રી શાહબુદીન રાઠોડની ગરિમામય હાજરીમાં શાળાનું ઉદ્ઘાટન કરાયું

ગઢડા: આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર, લેખક, ચિંતક તેમજ પદ્મશ્રી વિભૂષિત સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામ ખાતે 'પાર્વતીની મોજડી'થી વિશ્વવિખ્યાત બનેલા જૂની પેઢીના કલાકાર સ્વ. જાદવજીબાપા ધામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લાં નવ વર્ષથી પોતાના દેશ-વિદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરતા ડો. જગદીશ ત્રિવેદી હાલ પોતાના ક્ષેત્રના વડીલ કલાકારોના નામે શાળાઓનું નિર્માણ કરી રહ્યા છે. જે શ્રેણી અંતર્ગત વડીલ કલાકારના નામે બનતી ૫મી અને તેમના દ્વારા નિર્મિત કુલ ૧૬મી સરકારી શાળાનું શનિવારે (૮ ઓગસ્ટ ૨૦૨૬) લોકાર્પણ સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, ગઢડાના ધારાસભ્ય તેમજ સંત સવૈયાનાથ ધામના મહંત શંભુપ્રસાદજી ટુંડિયા, શાળાના દાતા પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી, કિરણ હોસ્પિટલ (સુરત)ના ચેરમેન અને જળક્રાંતિ અભિયાનના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી તથા હાસ્ય કલાકાર, લેખક અને ચિંતક પદ્મશ્રી શાહબુદીન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળાના નામની તક્તિનું અનાવરણ તેમજ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારોહમાં સ્વ. જાદવજીબાપા ધામેલીયાના સુપુત્ર અને જાણીતા હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા ઉપરાંત મોટી સંખ્યામાં અન્ય કલાકારો, જાદવજીબાપાના ચાહકો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ, સ્થાનિક ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
