News of Wednesday, 12th August 2026
રાપરના સેલારી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અલ્પાબેન પટેલ ૧૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીની ડીકોય રેડમાં રંગેહાથ ઝડપાયા
એસીબીના પીઆઈ જે.બી. ચૌધરીની અગવાઈ હેઠળ ડિકોય છટકું ગોઠવાયું : મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં સફળ કામગીરી

રાજકોટ : કચછ જિલ્લાના રાપર તાલુકામાં આવેલા સેલારી જુથ ગ્રામ પંચાયતના મહિલા તલાટી કમ મંત્રી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની સફળ ડીકોય રેડમાં ઝડપાઈ ગયા છે. હક્ક દાખલ કરવાની નોંધ પાડવા પેટે ૧૦૦૦ રૂપિયાની ગેરકાયદેસર લાંચ સ્વીકારતા મહિલા અધિકારી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અલ્પાબેન રમેશભાઇ પટેલ (ઉંમર વર્ષ ૪૦, રહે. અયોધ્યાપુરી ચકરો, રાપર, મૂળ રહે. મુવાડીગામ, તા. ખાનપુર, જી. મહીસાગર) દ્વારા સરકારી કામગીરી જેવી કે નોંધો પાડવી અને વેરા ભરવા પેટે અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે ૨૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની ખાનગી રજૂઆતો એસીબીને મળી હતી.
આ રજૂઆતોના આધારે એસીબી ગાંધીધામની ટીમે બે સરકારી પંચો અને એક જાગૃત નાગરિક (ડીકોયર) નો સહકાર મેળવીને ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સેલારી જુથ ગ્રામ પંચાયતની ઓફિસે ડીકોય છટકાનું આયોજન કર્યું હતું. જમીન કે મિલકતમાં હક્ક દાખલ કરવાની નોંધ પાડવાના કામની અવેજીમાં તલાટી અલ્પાબેન પટેલે ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ૧૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ડીકોયર પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને સ્થળ પર જ પકડી પાડ્યા હતા અને ૧૦૦૦ રૂપિયાની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી.
આ સફળ ટ્રેપિંગ કામગીરી કચ્છ (પૂર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી એ.સી.બી. બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ તથા એ.સી.બી. રાજકોટના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં પાર પાડવામાં આવી હતી.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
