હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નવા હોદ્દેદારોની નિમણૂક
ગોંડલ ખાતેની બેઠકમાં અધ્યક્ષ તરીકે જીતુભાઈ સુવાની વરણીઃ ગોંડલ જિલ્લા મંત્રી મનીષભાઈ સોલંકી દ્વારા ઉપલેટા શહેરના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત

(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા. ૧૩: ઉપલેટા તા. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સંગઠનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાના હેતુથી તાજેતરમાં ગોંડલના શિશુ મંદિર ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલ જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુના પ્રમુખ સ્થાને આ વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનના આગામી કાર્યક્રમોની ભવ્ય ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો અને છેવાડાના વિસ્તારો સુધી સંગઠનનો વ્યાપ વધે તે માટેની નવી રણનીતિઓ અને સઘન યોજનાઓ તૈયાર કરવાનો હતો.
આ બેઠક દરમિયાન સંગઠનને તાલુકા અને શહેર કક્ષાએ વધુ સક્રિય કરવા માટે ગોંડલ જિલ્લા મંત્રી મનીષભાઈ સોલંકી દ્વારા ઉપલેટા શહેર માટેની નવી જવાબદારીઓની ઘોષણા કરવામાં આવી હતી. આ નવી નિમણૂકોમાં ઉપલેટા શહેર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે જીતુભાઈ સુવાની પસંદગી કરવામાં આવી છે. તેમની સાથે ઉપાધ્યક્ષ તરીકે રમેશભાઈ રામચંદાણી અને મંત્રી તરીકે કિશનભાઈ ચુડાસમાને જવાબદારી સોંપાઈ છે. સહમંત્રી તરીકે પ્રકાશભાઈ ડોબરીયાની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત યુવા પાંખ બજરંગ દળના સંયોજક તરીકે પીન્ટુભાઈ વસવેલીયા તેમજ પ્રચાર-પ્રસાર સંયોજક તરીકે ઋષિકભાઈ પંડ્યાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આ નવી ટીમની રચનાથી ઉપલેટા શહેરના હિન્દુ સંગઠનોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉપલેટાની સનાતન ધર્મની પરંપરાને અનુસરતા પૂજ્ય સંત સમાજ, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, સેવાકીય આગેવાનો તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ તમામ નવનિયુક્ત કાર્યકર્તાઓને ઉમળકાભેર આવકારવામાં આવ્યા છે. સંગઠન અને ધર્મના ઉત્કર્ષ માટે તેઓ નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ કાર્ય કરશે તેવી અપેક્ષા સાથે સમાજના તમામ આગેવાનોએ તેઓને વિશેષ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ નવી ટીમ આગામી દિવસોમાં સંગઠનના કાર્યોને વેગવંતા બનાવશે. (તસ્વીરઃ ભોલુ રાઠોડ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
