<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

છુપી રીતે મોબાઇલ રાખ્‍યો હોઇ પિતાને જાણ થઇ જતાં ૧૮ વર્ષની પુત્રીનો આપઘાત

રીબડામાં ખેત મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના પરિવારની દિકરીએ ઝેર પી લેતાં સારવારમાં રાજકોટની હોસ્‍પિટલમાં મોત

રાજકોટ તા. ૧૩: ગોંડલના રીબડા ગામે ભાગીયામાં ખેતી રાખી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના પરિવારની ૧૮ વર્ષની દિકરીએ પોતાની પાસે છુપી રીતે મોબાઇલ ફોન રાખ્‍યો હોઇ તેની જાણ પિતાને થઇ જતાં પોતાને ઠપકો મળશે એવા ભયથી ઝેર પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ રીબડામાં પરષોત્તમભાઇ સગપરીયાની વાડીમાં રહેતાં મુળ એમપીના શ્‍યામભાઇ નીનામાની દિકરી દુબલીબેન (ઉ.વ.૧૮)એ ગઇ ૮મી તારીખે વાડીએ ઝેરી દવા પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગઇકાલે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોસ્‍ટમોર્ટમ બાદ પોલીસે મૃતદેહ સોંપતા અંતિમવિધી માટે એમપી લઇ જવાયો હતો.

આપઘાત કરનાર દુબલીબેન પાંચ બહેન અને બે ભાઇમાં નાની હતી. અહિ તેના પરિવાર સાથે રહેતી હતી. બપોરે નીંદામણ કરતી વખતે પોતે ઓરડીએ પાણી પીવાના બહાને ગઇ હતી અને બાદમાં ઝેરી દવા પી લીધી હતી. તેની પાસે મોબાઇલ ફોન હોઇ તેની જાણ પિતાને થઇ ગઇ હોઇ પોતાને ઠપકો મળશે તેવો ભય લાગતાં આ પગલુ ભયાનું ખુલ્‍યું હતું. ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:47 AM IST)