<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

જામનગરમાં તિરંગાના રંગે ઝળહળ્‍યાં ભૂજિયા કોઠા અને રણમલ તળાવ

સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીનો માહોલઃ તિરંગા રોશનીથી શહેરની ઐતિહાસિક ધરોહરો દેશભક્‍તિના રંગે રંગાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: જામનગર શહેર-જિલ્લામાં પણ દેશભક્‍તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરમાં તિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જામનગર શહેરનો ઐતિહાસિક ભૂજિયો કોઠો, જેનું તાજેતરમાં રેસ્‍ટોરેશન કાર્ય પૂર્ણ કરવામાં આવ્‍યા બાદ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્‍યો છે, તેને જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગાની થીમ પર શણગારવામાં આવ્‍યો છે. બુધવારની રાત્રે તિરંગા રંગની રોશનીથી ભૂજિયો કોઠો ઝળહળી ઉઠ્‍યો હતો. રાત્રિના અંધકારમાં કેસરી, સફેદ અને લીલા રંગની લાઇટોથી સજ્જ ઐતિહાસિક કોઠો દૂરથી પણ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો હતો.

આ ઉપરાંત રણમલ તળાવને પણ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાની થીમ પર રોશનીથી શણગારવામાં આવ્‍યું છે. તળાવની ફરતે ગોઠવવામાં આવેલી વિવિધ રંગબેરંગી લાઇટો વચ્‍ચે તિરંગા રંગની રોશનીથી સમગ્ર રણમલ તળાવ પરિસરનો નજારો મનમોહક બની ગયો હતો.

ખાસ કરીને તિરંગા રોશનીનો પ્રકાશ જ્‍યારે રણમલ તળાવની જળરાશિ પર પડતો હતો ત્‍યારે પાણીમાં કેસરી, સફેદ અને લીલા રંગનું સુંદર પ્રતિબિંબ જોવા મળતું હતું. તિરંગાના રંગોથી ઝળહળતું તળાવ અને તેની પળષ્ઠભૂમિમાં ઐતિહાસિક ધરોહરોનો નજારો શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો હતો. અનેક શહેરીજનોએ આ સુંદર અને દેશભક્‍તિથી ભરપૂર નજારો નિહાળી તસવીરો પણ પોતાના મોબાઇલ કેમેરામાં કંડારી હતી.

આમ, સ્‍વાતંત્ર્ય પર્વ પૂર્વે જામનગર શહેરની ઐતિહાસિક ધરોહરો તિરંગાના રંગે ઝળહળી ઠતાં શહેરમાં દેશભક્‍તિનો માહોલ વધુ ગાઢ બન્‍યો છે.

(1:19 PM IST)