<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

અમરેલી સમર્થ વ્‍યાયામ મંદિરના પ્રમુખ અને કર્મચારી સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

ચેરિટી કમિશ્‍નર સમક્ષ તપાસની માંગ કરતા જિલ્લા તંત્રી સંઘના પ્રમુખ હિંમતલાલ સરખેદી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ તા.૧૩, લોકકલ્‍યાણ અને શારીરિક ઘડતરના નામે ચાલતા જાહેર ટ્રસ્‍ટમાં ગંભીર નાણાકીય ગેરરીતિઓ આચરાતી હોવાના આક્ષેપ સાથે અમરેલીમાં ભારે સળવળાટ મચી ગયો છે. ચિત્તલ રોડ પર આવેલા અને સરકારી ચોપડે રજિસ્‍ટર્ડ (નંબર E/૨) સમર્થ વ્‍યાયામ મંદિર ટ્રસ્‍ટ (અખાડા) માં ચાલતા કથિત નાણાકીય ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને નાણાકીય ઉચાપતના આક્ષેપો સાથે અમરેલી જીલ્લા તંત્રી સંઘના પ્રમુખ હિંમતલાલ સરખેદીએ મોરચો માંડ્‍યો છે. તેમણે અમરેલીના સહાયક ચેરિટી કમિશનર સમક્ષ સત્તાવાર રીતે એક ધડાકેદાર લેખિત ફરિયાદ નોંધાવતા ભ્રષ્ટ રીતરસમો આચરનારાઓમાં ભારે કંપારી છૂટી ગઈ છે.

રજૂઆત અનુસાર, દરરોજ અંદાજે ૫૦૦થી વધુ નાગરિકો, યુવાનો અને રમતવીરો જે મેદાનનો ઉપયોગ કરે છે, તેમની પાસેથી દૈનિક રૂા. ૮, માસિક રૂા. ૨૦૦ અને વાર્ષિક રૂા. ૨૦૦૦ થી રૂા. ૩૬૦૦ સુધીની રકમ વસૂલવામાં આવે છે. આ રીતે વાર્ષિક લાખો રૂપિયાની આવક થતી હોવા છતાં તેનો કોઈ પારદર્શક હિસાબ રાખવામાં આવતો નથી કે નથી સત્તાવાર રસીદો આપવામાં આવતી. ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે પ્રમુખ એમ. કે. સાવલિયા અને કર્મચારી નીલ પ્રફુલભાઈ મહેતા દ્વારા સંસ્‍થાના બદલે પોતાના ખાનગી બેંક ખાતાઓ અને વ્‍યક્‍તિગત કયુઆર કોડ (QR Code) નો ઉપયોગ કરીને જાહેર નાણાં સીધા પોતાના અંગત લાભ માટે વાળવામાં આવી રહ્યા છે. આ અંગેના અકાટય પુરાવા રૂપે નીલ મહેતાના ખાતામાં ગયેલી વાર્ષિક ફીની ટ્રાન્‍સફર રસીદો પણ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણમાં ચેરિટી કમિશનર કચેરી સમક્ષ મુંબઈ જાહેર ટ્રસ્‍ટ અધિનિયમ હેઠળ નિયમિત હિસાબ અને ઓડિટ ન રાખવા બદલ તથા ટ્રસ્‍ટની નૈતિક અને કાયદાકીય ફરજોનો ભંગ કરવા બદલ જવાબદારો સામે તાત્‍કાલિક કડક પગલાં ભરવા માંગ કરાઈ છે. રજૂઆતમાં સ્‍પષ્ટ જણાવાયું છે કે ગેરવહીવટ કરનારા ટ્રસ્‍ટીઓને તાત્‍કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરી સસ્‍પેન્‍ડ કરવામાં આવે અને ટ્રસ્‍ટની સંપત્તિ તથા જાહેર નાણાં સુરક્ષિત કરવા માટે સ્‍પેશિયલ ઓફિસર કે એડમિનિસ્‍ટ્રેટરની નિમણૂક કરવામાં આવે. આ ઉપરાંત, જાહેર નાણાંની ઉચાપત, વિશ્વાસઘાત અને છેતરપિંડી બદલ કટોકટીના ધોરણે ફોજદારી ગુનો નોંધી નિષ્‍પક્ષ તપાસ થાય તેમજ આવકવેરા કાયદા અને જીએસટી (GST) ના સ્‍પષ્ટ ભંગ બદલ દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવે. તેવી માંગણી કરી છે.

 

 

 

 

 

(2:33 PM IST)