તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
ભાવનગરની સર્વોત્તમ ડેરીની ૨૫મી વાર્ષિક સાધારણ સભા વિશાળ સભાસદો સાથે મળી
સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૫ ટકા ડીવીડન્ડ ચૂકવવાનું જાહેર :મંડળીનાં પ્રતિનિધિઓમાં હર્ષની લાગણી પ્રસરી

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરીની ૨૫મી વાર્ષિક સાધારણ સભા તા. ૧૩/૮/૨૦૨૬ના રોજ સર્વોત્તમ ડેરી ખાતે સંઘનાં સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી, ડાયરેક્ટરઓ તથા દૂધ મંડળીનાં પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા. જેમાં એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી.
સ્વાગત પ્રવચન સંઘનાં ડાયરેક્ટર મૂળરાજસિંહ પરમારએ કર્યું હતું. સંઘનાં સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીએ એજન્ડા મુજબની કામગીરી કરી હતી અને ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન થાય તેમજ ખેડૂતને બે પાંદડે કરવા માટે સર્વોત્તમ દાણનો વપરાશ કરવા પર ભાર મુકેલ. સંઘના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે સંઘનાં દૂધ ઉત્પાદકોનું જીવનસ્તર ઊંચું લાવવા માટેની પ્રવૃત્તિઓ વિષે ઝાંખી કરાવી અને જે મંડળીઓ આ પ્રવૃત્તિમાં ઓછો રસ લેતી હોય તેને આ કાર્યોમાં વધારે રસ લઇ દૂધ ઉત્પાદકોને વધારે લાભ થાય તેવા પ્રયત્નો કરવા માટે હાંકલ કરેલ. આગામી સમયનું વિકાસ આયોજન ઉપરાંત સર્વોત્તમ ડેરી બાયો ગેસ પ્લાન્ટ નાખવા જઈ રહી છે જેનાથી આપના પશુઓના ગોબરની પણ આવક થશે તેના વિશેની વિસ્તૃત માહિતી આપી હતી. હાલ આ વર્ષે સંવર્ધન વર્ષ ચાલી રહયું હોય પશુપાલકને ત્યાં સેક્સ સીમેન ડોઝથી માદા પશુ (વાછરડી કે પાડી) નો જન્મ થાય, તો પશુપાલક પાસેથી લેવાયેલા ₹૩૦૦ પણ પરત (ફ્રી ઓફ કોસ્ટ) કરી દેવામાં આવે છે. આગામી સમયમાં ૧૦ લાખ લીટર દૂધ ઉત્પાદન વધશે જે બાબતની વિસ્તૃત માહિતી પોતાની રસાળ શેલીમાં આપી હતી. ટુંક સમયમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખવાની પણ જાહેરાત કરી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સહકારથી સમૃધ્ધિના વિઝનને સાકાર કરવા માટે ભારતના કેન્દ્રીય ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં ૧૫૦ થી વધારે એતિહાસિક સુધારાઓ અને મોટા ઉદ્ઘાટનો કરવામાં આવ્યા છે. નવી રાષ્ટ્રીય સહકારી નીતિ-૨૦૨૫ લોન્ચ કરવામાં આવી છે તે વિષે જાણકારી આપી અને નવી સહકારી સંસ્થાઓની સ્થાપના વિષે સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે માહિતી આપી હતી.
કાર્યક્રમની આભારવીધી સંઘના ડાયરેક્ટર માવજીભાઈ ભાલીયાએ કરી હતી, સમગ્ર સભાનું સફળ સંચાલન ચીફ જનરલ મેનેજર વાય.એચ.જોષીએ કરી હતી. સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૫ ટકા ડીવીડન્ડ ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આથી ઉપસ્થિત રહેલ મંડળીનાં પ્રતિનિધિઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
