<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

મોરબીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની કેદ: ૪ આરોપીઓ નિર્દોષ જાહેર.

કોર્ટે મુખ્ય આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તો અન્ય ચાર આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરી એક ઇસમેં દુષ્કર્મ આચર્યું હતું પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને મદદગારી કરનાર સહીત પાંચ શખ્શો વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તો અન્ય ચાર આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે.


જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૩-૦૨-૨૦૨૪ ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરી ૧૫ વર્ષ ૧૧ માસ વાળીને આરોપીએ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અન્ય આરોપી સાથે મળી મોટરસાયકલમાં અપહરણ કરી લઇ જઈને ભોગ બનનાર સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો તેમજ અન્ય ત્રણ આરોપીઓએ ભોગ બનનારને જાતી પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી હડધૂત કરી મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જે કેસ સ્પે. જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય સી દવે અને નીરજ ડી કારીઆ દ્વારા કોર્ટમાં ૧૭ મૌખિક પુરાવા અને ૩૫ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી વનરાજસિંહ ઉર્ફે નનુભા બચુભા ઝાલાને અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળના ગુનામાં કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૫,૦૦૦ દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

જયારે મદદગારી કરનાર આરોપીઓ વિજુભા ઉર્ફે વિજયભાઈ ચેહુભા ઝાલા, મંગુભા બચુભા અભેસીહ ઝાલા, દોલુભા ઉર્ફે દોલું બચુભા ઝાલા અને શક્તિસિંહ ઉર્ફે ટીનુભા બાબુભા વાઘેલાને ગુનામાં શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવવામાં આવ્યા છે

(11:52 PM IST)