<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ભાવનગરના વાવડી ગામ પાસે ૫૧ લાખનો દારૂ પકડાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૪: ભાવનગર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં દારૂ તથા જુગાર જેવી અસામાજિક પ્રવળત્તિઓ નેસ્‍તનાબૂદ કરવા રેન્‍જ આઈજી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે પેરોલ ફર્લો સ્‍કવોડે મોટો દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્‍થો ઝડપી પાડ્‍યો છે. વાવડી ગામના તળાવ પાસે બાવળની કાંટમાં ચાલતા દારૂના કટિંગ પર દરોડો પાડી પોલીસે રૂ.૫૦.૯૭ લાખ ની કિંમત નો દારૂ અને૧૦ વ્‍હીલના ટોરસ ટ્રક અને મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૧,૧૬,૧૪,૨૦૦/- નો મસમોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 મળતી માહિતી મુજબ પેરોલ ફર્લો સ્‍કવોડના પીએસઆઈ વી.બી. ચૌધરી અને તેમની ટીમ ગ્રામ્‍ય વિસ્‍તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શક્‍તિસિંહ ચકુભા રાયજાદા (રહે. ખાટડી), જયદીપસિંહ ભુપતસિંહ જાડેજા (રહે. ભાવનગર/ખંભાળીયા), કલ્‍પેશ નાથાભાઇ કોતર (રહે. સીદસર), અશોક ધીરૂભાઇ ચાડ (રહે. કમળેજ) તથા જયદીપસિંહ ઉર્ફે ભીમડો રેવતસિંહ ગોહિલ (રહે. ચિત્રા) નામના ઈસમો બહારથી બંધ બોડીના મોટા ટોરસ ટ્રક (નં. HR-55-AA-5036) માં દારૂ ભરી લાવ્‍યા છે. ભાવનગર-તળાજા હાઇવે પર વણેચી વાવથી વાવડી જતા રોડ પર આવેલ તળાવ પાસે બાવળની કાંટમાં કેટલાક માણસોને બોલાવીને દારૂનું કટિંગ કરી રહ્યા હોવાની માહિતીના આધારે ટીમે ત્‍વરિત દરોડો પાડ્‍યો હતો.

દરોડા દરમિયાન ઘટનાસ્‍થળેથી દારૂની ૩૧૯ પેટીઓમાંથી કુલ ૮,૧૮૦ નાની-મોટી વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. ૫૦,૭૯,૨૦૦/-) મળી આવી હતી. આ ઉપરાંત દારૂ છુપાવવા માટે વપરાયેલા રૂ. ૫૦ લાખની કિંમતના સ્‍પ્રેના બોક્‍સ, રૂ. ૧૫ લાખનો ૧૦ વ્‍હીલનો ટોરસ ટ્રક, મોટરસાઇકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧,૧૬,૧૪,૨૦૦/નો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે.

 આ સફળ કામગીરી પીએસઆઈ વી.બી. ચૌધરી તેમજ સ્‍ટાફના ભૈયપાલસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ ગોહિલ, ચંદ્રસિંહ વાળા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, બળદેવભાઇ મકવાણા, ધ્રુવરાજસિંહ ગોહિલ અને પ્રજ્ઞેશભાઇ પંડ્‍યા દ્વારા કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપીઓ હાજર મળી આવ્‍યા ન હોવાથી ઘોઘા પોલીસ સ્‍ટેશનમા ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:55 AM IST)