<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

સગીર દીકરીને અશ્‍લીલ મેસેજ, વીડિયો કોલ કરી બિભત્‍સ માંગણી કરી મરવા મજબૂર કરનાર પિતાને જન્‍મટીપની સજા

કચ્‍છના માંડવીના બનાવમાં ભુજની પોક્‍સો કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૪: કચ્‍છના માંડવીમાં સગીર દીકરીને મરવા મજબૂર કરનાર સગા પિતાને ભુજની સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટે સખત આજીવન કેદ અને રૂ.૧.૦૫ લાખના દંડની સજા ફટકારી છે. આરોપી પિતા કમલેશ પરષોત્તમ કષ્ટાવાલા (ઉંમર ૪૭ વર્ષ) પોતાની જ ૧૬ વર્ષની દીકરી પર અશ્‍લીલ અને બીભત્‍સ માંગણીઓ કરીને તેને માનસિક ત્રાસ આપતો હતો. પિતાના આ અમાનવીય વર્તનથી કંટાળીને કિશોરીએ ઓગસ્‍ટ ૨૦૨૧માં ગળેફાંસો ખાઈને આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ કેસ અંગેની વિગત અનુસાર ઓમાનમાં નોકરી કરતો આરોપી કમલેશ કોરોના મહામારી દરમિયાન માંડવી ખાતે પોતાના ઘરે આવ્‍યો હતો. તે વીડિયો કોલ તેમજ રૂબરૂમાં દીકરી સાથે અશ્‍લીલ વાતો કરી અયોગ્‍ય માંગણીઓ કરતો હતો. પિતાના આ માનસિક ત્રાસથી તંગ આવીને ૧૬ વર્ષ, ૪ મહિનાની દીકરીએ ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. ૨૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના રોજ માંડવી પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવામાં આવ્‍યો હતો. શરૂઆતમાં આત્‍મહત્‍યાના દુષ્‍પ્રેરણ હેઠળ ગુનો નોંધાયો હતો, પરંતુ દીકરી સગીર વયની સાબિત થતાં પોક્‍સો એક્‍ટની કલમો ઉમેરવામાં આવી હતી. ભુજ કોર્ટના સ્‍પેશિયલ જજ જે.એ. ઠક્કર એ આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી પિતા પર રૂ.૧,૦૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો તે દંડ ન ભરે તો વધારાની જેલ સજા ભોગવવી પડશે. અદાલતે ભોગ બનનાર કિશોરીની માતાને રૂ. ૫,૦૦,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ મહત્‍વપૂર્ણ આદેશ કર્યો છે.આ કેસની મજબૂત તપાસ પી.આઈ. આર.સી. ગોહીલ દ્વારા કરવામાં આવી હતી અને સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો કરીને નરાધમ પિતાને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે.

(11:52 AM IST)