News of Friday, 14th August 2026
જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં લુડો ગેમ હાર-જીતનો વિવાદ ખૂની ખેલમાં ફેરવાઈ ગયો
યુવક રમત જીતી જતાં શરત મુજબના રૂપિયા લઈને અન્ય સાથી મિત્ર ભાગવા લાગતા સામાન્ય બોલાચાલી અને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું

જેતપુર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર એક સામાન્ય મોબાઈલ ગેમ રમવાની જીદ અને પૈસાની લેતીદેતી મામલે મિત્રતા લોહીલુહાણ બની ગઈ છે. જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં લુડો ગેમ હાર-જીતનો વિવાદ ખૂની ખેલમાં ફેરવાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવાગઢ ચોકડી વિસ્તારમાં બે મિત્રો બેસીને મોબાઈલ ફોનમાં ઓનલાઈન લુડો ગેમ રમી રહ્યા હતા. આ રમતના અંતે મુનાભાઈ મકવાણા નામનો યુવક જીતી ગયો હતો. યુવક રમત જીતી જતાં શરત મુજબના રૂપિયા લઈને અન્ય સાથી મિત્ર ભાગવા લાગ્યો હતો. આ બાબતનો મુનાભાઈએ તીવ્ર પ્રતિકાર કર્યો હતો અને રૂપિયા આપવા માટે આગ્રહ કર્યો હતો. આ સામાન્ય બોલાચાલી અને વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ઉશ્કેરાયેલા સાથી મિત્રે પોતાની પાસે રહેલી છરી વડે મુનાભાઈ મકવાણા પર આડેધડ હુમલો કરી દીધો હતો.
આઘાતજનક હુમલામાં મુનાભાઈ મકવાણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈને લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત મુનાભાઈને સારવાર અર્થ જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, મુનાભાઈની ઇજાઓ અત્યંત ગંભીર હોવાથી ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ અને વિશેષ સારવાર માટે જૂનાગઢ રીફર કર્યા છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો અને ભોગ બનનારના નિવેદન તેમજ આસપાસના પુરાવાઓ એકત્ર કરીને ફરાર થઈ ગયેલા હુમલાખોર મિત્રને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
