<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર વિવાદમાં ખળભળાટ: સ્વ.મહંત તનસુખગીરી બાપુને સ્લો પોઈઝન આપી હત્યા કરવાના કાવતરાં અને નવાબી હાર સહિત સોના-ચાંદીના કિંમતી ઘરેણાં ગાયબ કરી મિલકત હડપવાના આક્ષેપોથી ધર્મપીઠમાં ગરમાવો

​પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ૨૬ થી વધુ લોકોની સઘન પૂછપરછ, પાંચ દિવસ સુધી વીડિયોગ્રાફી સાથે પંચરોજકામ કરી કિંમતી અવેજોની છાનબીન હાથ ધરાતા સંત સમાજ અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચકચાર : ​પોલીસ તપાસનો ધમધમાટ: ટૂંક સમયમાં મોટો અહેવાલ સોંપાશે

જૂનાગઢ તા.૧૪ : જૂનાગઢ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર બિરાજમાન પ્રાચીન અંબાજી શક્તિપીઠ તથા સંલગ્ન ધાર્મિક સ્થાનોની ગાદી અને કરોડો રૂપિયાની મિલકતને લઈને ચાલી રહેલા આંતરિક વિવાદે હવે અત્યંત સનસનાટીભર્યો વળાંક લીધો છે. ગિરનાર અંબાજી મંદિરના પૂર્વ મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુના દેહવિલય બાદ ઉદ્ભવેલા ગાદીપતિ પદના સ્થાન માટેના સંગ્રામમાં હવે માત્ર મિલકત પચાવી પાડવાનો મામલો નથી રહ્યો, પરંતુ સ્વયં મહંતને ધીમું ઝેર (સ્લો પોઈઝન) આપીને મોતને ઘાટ ઉતારવાના કાવતરાં અને મંદિરના ઐતિહાસિક ખજાનાની સરેઆમ ચોરીના ચોંકાવનારા દાવો-પ્રતિદાવો સામે આવતા સમગ્ર પંથક અને ધાર્મિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગતો મુજબ, અંબાજી મંદિરના તત્કાલીન મહંત તનસુખગીરી બાપુની અંતિમ ક્ષણો અને હોસ્પિટલ સારવાર દરમિયાન તેમની પાસે શંકાસ્પદ રીતે કરાવવામાં આવેલી સહી-સિક્કાની પ્રક્રિયા પરથી શરૂ થયેલો વિવાદ હવે હત્યાના ષડયંત્ર સુધી પહોંચ્યો છે. મહંતના શિષ્યો અને નજીકના વર્તુળો દ્વારા પોલીસ અને કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી લેખિત રજૂઆતોમાં સંગીન આક્ષેપ કરાયો છે કે, મંદિરની અબજો રૂપિયાની મિલકતો, સ્થાંગો અને ગાદી હડપ કરી લેવાના બંદોબસ્તના ભાગરૂપે પૂજ્ય બાપુને લાંબા સમયથી ખાનપાનમાં 'સ્લો પોઈઝન' આપવામાં આવી રહ્યું હતું. આ ઝેરના કારણે જ તેમની તંદુરસ્તી ઉત્તરોત્તર કથળતી ગઈ હતી અને આખરે તેમનું અવસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

માત્ર હત્યાના કાવતરાંના આક્ષેપો જ નહીં, પરંતુ મંદિરની વર્ષો જૂની કિંમતી સંપત્તિ ગાયબ થઈ ગઈ હોવાના મુદ્દાથી સમગ્ર તપાસ અત્યંત ગંભીર બની છે. રજૂઆતમાં એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અંબાજી મંદિરના પ્રાચીન ખજાનામાં સાચવવામાં આવેલો અત્યંત મૂલ્યવાન 'નવાબી હાર' તથા માતાજીના ચરણોમાં ધરાવાયેલા અન્ય સોના-ચાંદીના પૌરાણિક ઘરેણાં અને કિંમતી અવેજો ગાયબ કરી દેવાયા છે. મંદિરની કિંમતી સંપત્તિ અને દસ્તાવેજો સાથે મોટા પાયે ચેડાં થયા હોવાના કારણે સમગ્ર વિવાદ હવે મોટું ગુનાહિત સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે તનસુખગીરી બાપુના નિધન બાદ ભવનાથના મહંત જૂથ, દત્તાત્રેય મંદિરના મહંત અને તનસુખગીરીના શિષ્યો વચ્ચે ગાદી મેળવવા માટે તીવ્ર જૂથબંધી સર્જાઈ હતી. વિવાદ વકરતાં રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભરીને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરનો તમામ વહીવટ જૂનાગઢ શહેર મામલતદાર અને વહીવટદારને સોંપી દીધો હતો. જોકે, તંત્ર દ્વારા કબજો લેવા સામે પણ કેટલાક ટ્રસ્ટીઓ અને સંતો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ શાંતિ અને કાયદો જળવાઈ રહે તે માટે તંત્ર સખત વલણ અપનાવી રહ્યું છે.

હત્યાના ષડયંત્ર અને મિલકત હડપવાના સંગીન આક્ષેપોને પગલે પોલીસ અને પ્રાંત અધિકારીની ટીમો એકશન મોડમાં આવી ગઈ છે. પ્રાંત અધિકારીની કચેરી ખાતે સસ્પેન્ડ કરાયેલા પૂજારીઓ, શિષ્યો તથા મંદિરના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા ૨૬થી વધુ લોકોને વારાફરતી બોલાવીને તીખા પ્રશ્નો સાથે કડક પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં કોઈ પણ કાનૂની વિવાદ ન સર્જાય તે માટે મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે બ્રહ્મલીન તનસુખગીરી બાપુના રૂમ અને મંદિરના મહત્વના સ્થળોએ સતત ૫ દિવસ સુધી વીડિયોગ્રાફી સાથે પંચરોજકામ કર્યું હતું. રૂમ ખોલતી વખતે મામલતદાર સહિત પરિવાર અને બંને પક્ષોના પ્રતિનિધિઓની હાજરી રાખવામાં આવી હતી

તપાસનીશ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ, તબીબી રિપોર્ટો, દસ્તાવેજી પુરાવાઓ અને સોના-ચાંદીના દાગીનાની યાદી મેળવીને અલગ-અલગ દિશાઓમાં સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. પ્રાંત અધિકારી અને પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સર્વગ્રાહી તપાસનો આખરી અહેવાલ પણ ટૂંક સમયમાં કલેક્ટર અને ઉચ્ચ સ્તરે સુપ્રત કરવામાં આવશે. ગિરનારની પવિત્ર શક્તિપીઠ સાથે જોડાયેલા આ ગંભીર કૌભાંડમાં આગામી દિવસોમાં મોટા મોટા ચહેરાઓની ધરપકડ થાય તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.

(4:36 PM IST)