News of Saturday, 15th August 2026
કેશોદના કોયલાણા ગામે કાર અને પશુ વચ્ચે થયેલા અકસ્માતમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ઇજાગ્રસ્તની મદદે આવ્યા
મંત્રીની સાથે રહેલા પોલીસકર્મીએ તાત્કાલિક CPR આપી પ્રાથમિક સારવાર કરી ત્યારબાદ 108 ની એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી પરિવારને જાણ કરાઈ

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક પ્રશંસનીય માનવતાવાદી ઘટના સામે આવી છે. ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી મુલાકાત દરમિયાન માર્ગ પર થયેલા એક ગંભીર અકસ્માતમાં તાત્કાલિક ઇજાગ્રસ્તની મદદે પહોંચ્યા હતા. મંત્રી અને તેમની સુરક્ષામાં રહેલા પોલીસકર્મીઓની ત્વરિત કામગીરીને કારણે ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર સારવાર મળી શકી હતી.
મળતી વિગતો મુજબ, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી કેશોદ તાલુકાના કોયલાણા ગામે ખેડૂત મિત્ર ભરતસિંહ લઘુભાઈ ચાવડાની વાડીની મુલાકાતે જઈ રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન માર્ગ પર અચાનક એક કાર અને પશુ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ દુઃખદ ઘટના નજરે પડતાં જ મંત્રીએ પોતાનો કાફલો તાત્કાલિક રોકાવ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિની સ્થિતિ નાજુક જણાતાં મંત્રીના કાફલામાં ફરજ બજાવતા સતર્ક પોલીસકર્મીએ ક્ષણનોય વિલંબ કર્યા વિના દર્દીને સીપીઆર (CPR) આપી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. આ ત્વરિત પગલાંને કારણે ઈજાગ્રસ્તનો શ્વાસ જળવાઈ રહ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ ઇજાગ્રસ્તના પરિવારજનોને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
આ કટોકટીભર્યા સમયે અદભુત તત્પરતા અને માનવતા દાખવનાર પોલીસકર્મીઓ તેમજ 108 ની ટીમની ઉત્કૃષ્ટ સેવા બદલ કૃષિમંત્રીએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. યોગ્ય સમયે મળેલી પ્રાથમિક સારવાર અને હોસ્પિટલ પહોંચાડવાની ઝડપી વ્યવસ્થાના કારણે એક વ્યક્તિનો અમૂલ્ય જીવ બચી શક્યો હતો.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
