<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ભાવનગરના વરતેજમાં યુવકે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો :સ્યુસાઇડ નોટમાં છ જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ

મૃતક પાસેથી 10થી 20 ટકા વ્યાજ વસૂલાતું હોવાનો આક્ષેપ: પોલીસે AD નોંધી તપાસ શરૂ કરી

ભાવનગરના વરતેજ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસને પગલે એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. વરતેજમાં રહેતા 36 વર્ષીય અનિલભાઈ ભીમાણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

 

મળતી માહિતી મુજબ, અનિલભાઈ ભીમાણીએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી. પોલીસે આ સ્યુસાઈડ નોટ કબજે કરી છે. સ્યુસાઈડ નોટમાં આશરે છ જેટલા માથાભારે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જેના પગલે સમગ્ર મામલો ગંભીર બન્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

 

પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક યુવક પાસેથી વ્યાજખોરો દ્વારા 10 થી 20 ટકા સુધીનું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હોવાનો આક્ષેપ છે. ઊંચા વ્યાજના કારણે યુવક આર્થિક અને માનસિક તણાવમાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ અને વ્યાજખોરોની ભૂમિકા અંગે પોલીસ તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.

 

 

ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકની સ્યુસાઈડ નોટ સહિતના પુરાવા કબજે કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો એટલે કે AD નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

(11:10 PM IST)