તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 17th August 2026
વિજળી, પાણી, પેટ્રોલિયમનો કરકસરપૂર્વક ઉપયોગ એ નાગરિક ધર્મઃ રાજેશ તન્ના
દેવભુમિ દ્વારકા જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ખંભાળીયામાં ઉજવણીઃ કલેકટરના હસ્તે ધ્વજવંદનઃ રાજયસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારીયા સહિતના ઉપસ્થિત

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જામખંભાળિયા ખાતે કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવીને પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સંપૂર્ણ ‘‘વંદે માતરમ'' નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહ્યું હતું કે, આજનો દિવસ એ આપણા દેશને આઝાદી અપાવનારા અનેક નામી, અનામી શહીદોને સ્મરણ કરવાનો અવસર છે. આ શહીદોના ત્યાગ અને બલિદાનને પરિણામે આજે આપણે સૌ મહામૂલી આઝાદીના મુક્ત વાતાવરણમાં જીવી રહ્યા છીએ. આજનો દિવસ માત્ર શહીદોને સ્મરણ કરવાનો નહીં પરંતુ આપણી જવાબદારીઓ તેમજ ફરજો નિભાવવા અને મહામૂલી આઝાદીનું જતન કરવા માટેનો સંદેશ આપતો અવસર છે.
રાજ્યની વિકાસગાથામાં દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ પોતાનું યોગદાન આપી રહ્યો છે તેમ જણાવતા કલેકટરશ્રીએ કહ્યું કે, પ્રવાસન ક્ષેત્રે આપણો જિલ્લો પહેલેથી જ અગ્રેસર રહ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સુદર્શન સેતુનું નિર્માણ થતા દ્વારકા આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમજ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ આજે પ્રવાસીઓની પસંદગી પાત્ર સ્થળોમાં મોખરાનું સ્થાન પામ્યો છે. તેમજ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોર્તિલિંગ, હરસિદ્ધિ માતા મંદિર, ઘુમલી, કિલેશ્વર મહાદેવ સહિત અનેક તીર્થ તથા પર્યટન સ્થળોને પરિણામે પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને એમાં પણ હવે ગુજરાતની શાન અને અસ્મિતાનું પ્રતીક સમા એશિયાઈ સિંહોએ બરડા ડુંગરને પોતાના દ્વિતીય નિવાસસ્થાન પર પરત ફર્યા છે જે જિલ્લાવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે તેમ હર્ષભેર કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યુ કે, હાલના સમયમાં વીજળીએ આપણી રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે ત્યારે મારો સૌ જિલ્લાવાસીઓને અનુરોધ છે કે આપણે સૌ જ્યારે જરૂર હોય ત્યારે જ વીજ વપરાશ કરીએ અને બિનજરુરી વીજ વપરાશ ટાળીએ. ઉપરાંત, વીજળી સાથે પાણીના સંગ્રહ અને કરકસરપૂર્વક ઉપયોગનો આગ્રહ રાખીએ.
પરેડમાં એન.સી.સી. પુરૂષ પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, પોલીસ પુરૂષ પ્લાટુન, પોલીસ મહિલા પ્લાટુન, એસ.આર.ડી. પ્લાટુન, એન.સી.સી. મહીલા પ્લાટુન એમ કુલ ૬ પ્લાટુન જોડાઈ હતી.
જિલ્લાના વિકાસ કાર્યોને વેગવંતુ બનાવવા જિલ્લા કલેકટરશ્રીએ રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા આયોજન અધિકારીને આપવા આવ્યો હતો.
ઉપરાંત જિલ્લાના વિવિધ ક્ષેત્રો જેવા કે પોલીસ, આરોગ્ય, મહેસૂલ સહિતના વિભાગના કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ મહાનુભાવોએ વળક્ષારોપણ કર્યું હતું. સ્વાતંત્ર્ય સેનાનીશ્રી મોહનલાલ મોદીના પરિવારજનનું સન્માન શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું.
૮૦માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીના અવસરે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, અગ્રણી મયુરભાઈ ગઢવી, પ્રતાપભાઇ પિંડારિયા, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિધાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
