<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

કચ્‍છના બન્ની વિસ્‍તારમાં વનતારાના સહયોગથી ૨૦ કાળિયાર હરણનું સ્‍થળાંતર કરાયું

બન્નીની ઇકો સિસ્‍ટમ મજબૂત કરવા સાથે ચિત્તા પ્રોજેક્‍ટ પૂર્વે સરકારનું મહત્‍વનું પગલું, ભવિષ્‍યમાં વેરાવદર અને ભાલમાંથી વધુ હરણોનું સ્‍થળાંતર બન્નીમાં કરવાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૭: ગુજરાત વન વિભાગે ‘વનતારા'ના ટેકનિકલ સહયોગથી કચ્‍છના બન્ની ઘાસના મેદાનમાં ૨૦ કાળિયાર સફળતાપૂર્વક સ્‍થળાંતરણ કરાવ્‍યું છે. આ આખી પ્રક્રિયા પર્યાવરણ સંતુલન અને સ્‍થાનિક વન્‍યજીવોના પુનર્વસન માટે એક મહત્‍વપૂર્ણ માઈલસ્‍ટોન માનવામાં આવે છે.કાળિયારના આ સ્‍થળાંતર અંગેની મુખ્‍ય જાણકારી પ્રમાણે આ જૂથમાં ૫ નર અને ૧૫ માદા કાળિયારનો સમાવેશ થાય છે. આ કાળિયાર હરણોને જામનગર સ્‍થિત રિલાયન્‍સ વનતારા કેન્‍દ્રમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી લાવવામાં આવ્‍યા છે. આ ઓપરેશન માટે ગુજરાતના ચીફ વાઇલ્‍ડલાઇફ વોર્ડન અને સેન્‍ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવી હતી. આ પ્રાણીઓને મુક્‍ત કરતા પહેલાં નિષ્‍ણાતો દ્વારા વેટરનરી હેલ્‍થ સ્‍ક્રીનિંગ, ક્‍વારન્‍ટાઇન અને રોગ નિયંત્રણ સંબંધિત તમામ પ્રોટોકોલ પૂર્ણ કરવામાં આવ્‍યા હતા. આ સ્‍થળાંતર કેમ કરવામાં આવ્‍યું? ૧. પ્રેય બેઝ વધારવોઃ કચ્‍છનો બન્ની વિસ્‍તાર આગામી સમયમાં ચિત્તાઓ માટે નવું આવાસ બનવા જઈ રહ્યો છે. નેશનલ ચિત્તા રિઇન્‍ટ્રોડક્‍શન પ્રોગ્રામ હેઠળ ચિત્તાના ખોરાક માટે (શિકાર માટે) અહીં શાકાહારી પ્રાણીઓની વસ્‍તી મજબૂત કરવી જરૂરી છે. ૨. કુદરતી ઇકોસિસ્‍ટમનું પુનર્જીવનઃ બન્નીના ઘાસિયા મેદાનોમાં ઐતિહાસિક રીતે કાળિયાર, ચિંકારા અને નીલગાય જેવા પ્રાણીઓ મુખ્‍ય હિસ્‍સો હતા. આ પગલાથી ત્‍યાંની જૈવવિવિધતા ફરી જીવંત થશે.

 ૩. ભવિષ્‍યનો મોટો પ્‍લાનઃ કેન્‍દ્ર સરકાર દ્વારા આ સમગ્ર પ્રોજેક્‍ટ હેઠળ ભાવનગરના વેળાવદર અને ભાલ વિસ્‍તારમાંથી તબક્કાવાર ૫૦૦ કાળિયાર અને ૧૦૦ ચિંકારાને બન્નીના મેદાનોમાં સ્‍થળાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત આ એક મહત્‍વની શરૂઆત છે.

(11:27 AM IST)