News of Tuesday, 18th August 2026
સોમનાથમાં રાષ્ટ્રધ્વજ-ધર્મધ્વજ સાથે લહેરાયાઃ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી. કે. લહેરીના હસ્તે ધ્વજવંદનઃ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧૮ :.. પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મંદિરમાં દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને રાષ્ટ્રભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે આકાશમાં દેશના સાર્વભૌમત્વના અખંડ પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને શ્રી સોમનાથ મહાદેવનો ધર્મધ્વજ એકીસાથે લહેરાતા, ઉપસ્થિત ભક્તો અને દર્શનાર્થીઓના હૃદયમાં ધર્મભક્તિની સાથે સાથે રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની અદભુત લાગણીનો સંચાર થયો હતો.
આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ શ્રદ્ધાપૂર્વક ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને અખંડ ભારતના શિલ્પી તેમજ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પી. કે.લહેરીએ જણાવ્યું કે, ે દરેક નાગરિકે રાષ્ટ્રએ તેમના માટે શું કર્યું એ વિચારવાને બદલે, મેં દેશ માટે શું કર્યું? એ દિશામાં આત્મમંથન કરવું જોઈએ અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવાની વિચારધારા કેળવવી જોઈએ. સાથે તેઓશ્રીએ ઉમેર્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવન સમર્પણ કર્યા છે તેમની ગરિમાનું પ્રત્યેક ભારતીય નાગરિકે સન્માન કરવું જોઈએ.
સ્વાતંત્ર્ય પર્વની આ ગૌરવશાળી ઉજવણીમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીગણ, પોલીસ અધિકારીશ્રીઓ અને સુરક્ષાબળના જવાનો, સ્થાનિક પુરોહિતશ્રીઓ તેમજ દેશના ખૂણે-ખૂણેથી પધારેલા યાત્રીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.
દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવને અત્યંત નયનરમ્ય એવો શ્નત્રિરંગા શળંગાર કરવામાં આવ્યો હતો. ભક્તિ અને દેશપ્રેમના આ અનોખા સંગમ સમું મહાદેવનું આ સ્વરૂપ દર્શનાર્થીઓ માટે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બન્યું હતું.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
