News of Tuesday, 18th August 2026
સુરેન્દ્રનગરમાં મહેસૂલી વિભાગનો ડુપ્લીકેટ ‘ડાયરેક્ટર' ઝડપાયો
મેહુલ શાહે નકલી ઓળખકાર્ડ અને કોલ લેટર બનાવી ૧૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે કરી છેતરપિંડીઃ મુંબઈથી કરી ધરપકડ, માતા પણ ગુનામાં સામેલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૮ :.. સુરેન્દ્રનગર સીટી પોલીસે મહેસૂલી વિભાગના ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર મેહુલ પરિમલભાઈ શાહની મુંબઈથી ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે તેની માતા પણ આ કૌભાંડમાં સામેલ હતી. બંને વેશપલટો કરીને રાજસ્થાનની એક હોટલમાં રહેતા હતા. મેહુલ વેઈટર તરીકે અને તેની માતા રસોયા તરીકે કામ કરતા હતા. પોલીસને બાતમી મળતા જ રાજસ્થાનથી બંનેની ધરપકડ કરી સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા છે. હાલ એએસપી વૈદિકા બિહાની અને તેમની ટીમ દ્વારા વધુ પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ તપાસ મુજબ આરોપી મેહુલ શાહ પોતાની ઓળખ મહેસૂલી વિભાગના ડાયરેક્ટર તરીકે આપતો હતો અને તેનું ડુપ્લીકેટ આઈ-કાર્ડ પણ બનાવી રાખ્યું હતું. હું તમને તલાટીની નોકરી અપાવીશ કહી શિક્ષિત યુવાનોને ફસાવતો હતો.હસમુખ પટેલના નામની નકલી સહી કરી મહેસૂલ વિભાગના ખોટા કોલ લેટર બનાવતો હતો. કેટલાક ભોગ બનનારાઓને તે પોતે ત્લ્ય્બ્નો ડાયરેક્ટર હોવાનું પણ કહેતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને વાંકાનેરના શિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે.
મેહુલ શાહ માત્ર નોકરીના નામે જ નહીં, પરંતુ શિક્ષણના નામે પણ લોકોને ઠગતો હતો.
વાંકાનેરમાં ૨ અને અમદાવાદમાં ૧ શાળા ચલાવીને તેણે ૫થી ૧૦ વર્ષની ફી એક સાથે ભરો તો ૫૦ ટકા ડિસ્કાઉન્ટની લોભામણી સ્કીમ જાહેર કરી હતી. આ સ્કીમના નામે અનેક વાલીઓ પાસેથી એડવાન્સ ફી પડાવી લેવામાં આવી હતી.
સીટી પોલીસે આ કેસમાં પુરાવા એકત્રિત કરી લીધા છે. જો કોઈ અન્ય વ્યક્તિ પણ આ આરોપીના ભોગ બની હોય તો તાત્કાલિક સુરેન્દ્રનગર સીટી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતમાં સરકારી કર્મચારીની ખોટી ઓળખ આપી નોકરીના બહાને પૈસા પડાવવાની ઘટનાઓ વધી રહી છે. આ કેસમાં વધુ તપાસ બાદ વધુ ખુલાસાઓ થવાની શકયતા છે.
કોઈપણ સરકારી નોકરી માટે સત્તાવાર વેબસાઈટ અને જાહેરાત પર જ વિશ્વાસ કરો. કોઈ અધિકારી રોકડમાં પૈસા કે એડવાન્સ માંગે તો તુરંત પોલીસને જાણ કરો તેમ જણાવ્યું છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
