તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
વેરાવળમાં સ્વતંત્રતા પર્વની ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ઉજવણીઃ જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ધ્વજવંદન
ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ વિશેષોનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયુઃ માનસિંહ પરમાર સહિતના ઉપસ્થિતઃ ‘ઓપરેશન સિંદૂર', પિરામિડ ફોર્મેશન, યોગ નિદર્શન તેમજ ભાતીગળ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ આકર્ષણ જમાવ્યું

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૧૮: દેશભરમાં ૮૦માં સ્વતંત્રતા પર્વની થઈ રહેલી ઉજવણી સાથે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી સરદારસિંહ રાણા (કે.સી.સી) મેદાનમાં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી સાથે કલેક્ટરશ્રીએ આન, બાન, શાન સાથે તિરંગાને સલામી આપી અને ધ્વજવંદન કર્યું હતું.
કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌ નગરજનોને ૮૦માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવા માટે અનેક નામી-અનામી શહીદોએ પોતાની શહાદત આપી છે. તેનું સ્મરણ કરવાનો અને ભારતને મળેલી આ મહામૂલી આઝાદી આગળ પણ ધબકતી અને વિકસતી રહે તે માટે કટિબદ્ધ થવાનો આ અવસર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં દ્વાદશ જ્યોતિર્લિગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિગ એવું સોમનાથ આવેલું છે. ગાંડી ગીર, કેસર કેરી અને કેસરી સિહનું સાયુજ્ય જ્યાં સધાય છે, તેવા ગીર સોમનાથ જિલ્લાએ હંમેશા વિકાસની દોડમાં અગ્રેસર બનીને કાર્ય કર્યું છે.
જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરએ વેરાવળ પ્રાંત અધિકારી જે.વી.કાકડિયાને તાલુકાના વિકાસ કામો માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
કલેક્ટરશ્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષનું સન્માન કરાયું હતું.
પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એન.સી.સી પ્લાટૂન, બેન્ડ પ્લાટૂને દેશભક્તિસભર સુરાવલીઓ સાથે પરેડ યોજી હતી. આ સમગ્ર પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર પી.આઈ શ્રી એસ.વી.રાજપૂતે કર્યું હતું.
વિદ્યાર્થીઓએ ‘ઓપરેશન સિદૂર'ની થીમ પર સૈનિકોની સાહસ, વીરતા અને શૌર્યસભર ગાથા રજૂ કરી હતી તો અન્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં કથ્થક નૃત્ય, જૂડો-કરાટે સહિતના શારીરિક કરતબો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતાં. ગીર સોમનાથની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી.
કાર્યક્રમના અંતે વંદે માતરમના ગાન અને ગ્રીન ગુજરાતની વિભાવનાને સાકાર કરતા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાજ્યસભાના સાંસદ માનસિહભાઈ પરમાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર , નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત ગણમાન્ય નાગરિકો અને વેરાવળના નગરજનો સહભાગી થયા હતાં.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
